Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિરાટ કોહલીઍ છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં સદી ફટકારી હતીઃ ટેસ્ટ, વન-ડે અને ટી૨૦માં ઍકપણ સદી ન ફટકારી શક્યો

સાઉથમ્પટન: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે ક્રિકેટ ફેન્સને તેની પાસેથી એક સારી ઈનિંગ્સની અપેક્ષા હોય છે. કોહલી ક્રિકેટની દુનિયામાં મોટું નામ છે અને તે મોટી મેચનો ખેલાડી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલમાં દર્શકોને કોહલી પાસેથી સારી ઈનિંગ્સની આશા હતી. પરંતુ તેણે નિરાશ કર્યા. સાઉથમ્પટનમાં ન્યૂઝીલેન્ડ સામે કોહલી 44 રન બનાવીને આઉટ થયો. અને આ રીતે તેની સદીનો ઈંતઝાર પણ વધી ગયો છે. કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતામાં 136 ઈનિંગ્સની શાનદાર ઈનિંગ્સ રમી હતી.

ત્રણેય ફોર્મેટમાં ફટકારી શક્યો નથી સદી:

બાંગ્લાદેશ સામે સદી પછી કોહલીએ ત્રણેય ફોર્મેટ એટલે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલની કુલ 45 ઈનિંગ્સમાં 1690 રન બનાવ્યા. જેમાં 17 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની એવરેજ 43.33ની રહી છે. જે તેની કારકિર્દીની એવરેજ સાથે મેચ થતી નથી. વન-ડે ફોર્મેટમાં કોહલીએ છેલ્લે સદી 14 ઓગસ્ટ 2019માં ફટકારી હતી. ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં સદી ફટકારી હતી.

કોહલીની ટેસ્ટ કારકિર્દીના 10 વર્ષ પૂરા:

સાઉથમ્પટનમાં બીજો દિવસ કોહલી માટે અત્યંત ખાસ હતો. કેમ કે 20 જૂન 2011ના રોજ વિરાટ કોહલીએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતુ. તે મેચમાં કોહલી ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો. તેણે પહેલા દાવમાં 4 અને બીજા દાવમાં 15 રન બનાવ્યા હતા. કોહલી ભલે ડેબ્યુમાં ફ્લોપ રહ્યો હતો. પરંતુ તેના પછી તેણે જે કર્યું તે રેકોર્ડબુકમાં નોંધાયેલું છે. કોહલી રનનો વિશ્વવિક્રમ સર્જતો ગયો. કોહલીએ 92 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 52.32ની એવરેજથી 7534 રન બનાવ્યા છે. તેણે 27 સદી, 7 બેવડી સદી અને 25 અર્ધસદી બનાવી છે.

(5:15 pm IST)