Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

બીસીસીઆઇએ ટોકયો ઓલિમ્પિક માટે કવોલીફાય કરી ચુકેલા

દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે ૧૦ કરોડ ફાળવ્યા

નવી દિલ્હી તા. ૨૧ : ભારતને આ વર્ષે યોજાનાર ટોકયો ઓલિમ્પિકમાં ખુબ આશા છે. આ પહેલા ૨૦૧૬માં યોજાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે માત્ર બે મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહેલા ભારતીય ખેલાડીઓની મદદ માટે બીસીસીઆઈએ મોટું પગલું ભર્યું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડએ રવિવારે ટોકયો ઓલિમ્પિક માટે કવોલીફાય કરી ચુકેલા દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે ૧૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. એપેકસ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું- હાં, બીસીસીઆઈ ઓલિમ્પિક દળની મદદ કરશે. ભારતમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ આ માટે ૧૦ કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે આ રકમનો ઉપયોગ ટોકયો ઓલિમ્પિક માટે કવોલીફાઇ કરી ચુકેલા આપણા ખેલાડીઓની તૈયારીઓ અને અન્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. ખેલ મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘને આ રકમ ફાળવવામાં આવશે.

કિટ પ્રાયોજક તરીકે લિ નિંગના હટ્યા બાદ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી રકમથી ચોક્કસપણે ખેલાડીઓની મદદ થશે જેમાં ટ્રેનિંગ અને અન્ય તૈયારીઓ સામેલ છે.

અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈ હંમેશા ઓલિમ્પિક ગેમ્સના વિકાસમાં મદદ કરવામાં વિશ્વાસ રાખે છે અને આ પ્રથમવાર નથી જયારે બીસીસીઆઈએ મદદ કરી છે. મહત્વનું છે કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ૨૩ જુલાઈથી જાપાનના ટોકયો શહેરમાં થવાનું છે.

(3:10 pm IST)