Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઈંગ્લેન્ડે ૨૪૨ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાની સૌથી મોટી જીત નોંધાવી

નવી દિલ્હી: એલેક્સ હેલ્સ અને જોની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ૪૮૧ રન બનાવી વન-ડેના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો. એટલુ જ નહીં ઈંગ્લેન્ડે ૨૪૨ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાની સૌથી મોટી જીત પણ નોંધાવી હતી. 
એલેક્સ હેલ્સના ૯૨ બોલમાં ૧૪૭ રનની ઈનિંગમાં ૧૬ ચોગ્ગા અને ૫ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બેયરસ્ટોએ ૯૨ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૩૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓપનિંગ કરવા ઉતરેલ જેશન રોયે પણ આતિશી ઈનિંગ રમતા ૬૧ બોલમાં ૮૨ રન બનાવ્યા હતા, જોકે તે રનઆઉટ થયો હતો. 
આ ઉપરાંત કેપ્ટન ઈયોન મોર્ગેને પણ ૩૦ બોલમાં આતિશી ઈનિંગ રમતા ૬૭ રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૪૮૧ રન બનાવી ૪૮૨ રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાને આપ્યો હતો. ઓસીના બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનો સામે લાચાર જણાયા હતા. ઓસી તરફથી રીચર્ડસને ૧૦ ઓવરમાં ૯૨ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર એન્ડ્રુ ટ્રાયે ૯ ઓવરમાં ૧૦૦ રન આપી દીધા હતા. ૪૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ઓસીની ટીમ ૩૭ ઓવરમાં ૨૩૯ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઓસી તરફથી એકમાત્ર હેડે ૫૧ રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સ્ટોનીસે ૪૪ રન બનાવ્યા હતા. જ્યારે અન્ય તમામ બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા.ઈંગ્લેન્ડ તરફથી આદીલ રશિદે ૪, મોઈન અલીએ ૩ અને વીલીએ ૨ વિકેટ ઝડપી હતી. આમ, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૨૪૨ રનથી હરાવી પોતાની સૌથી મોટી જીત મેળવી હતી.

(4:54 pm IST)