Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મહિલા હોકી : ભારતીય ટીમ રનર્સઅપ બની

દક્ષિણ કોરીયા ૧ ગોલ ફટકારી જીતી ગયુ

ડોંગાઈ સીટી : ગત ચેમ્પિયન ભારતીય મહિલા હોકી ટીમને રવિવારે યોજાયેલી ફાઈનલ મેચમાં સાઉથ કોરીયા સામે ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે પાંચમી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું ટાઈટલ બચાવી શકી નહોતી. કોરીયા તરફથી મેચની ૨૪મી મિનિટે યોંગસીલ લીએ ફિલ્ડ ગોલ કર્યો હતો જે નિર્ણાયક સાબિત થયો હતો. સાઉથ કોરીયાએ ત્રીજી વખત આ ટાઈટલ જીત્યુ હતું જયારે ભારતીય ટીમ સતત સારા દેખાવ છતાં બીજી વખત ટાઈટલ જીતવાનુ ચૂકી ગઈ હતી. ભારત અને કોરીયાની ટીમો શનિવારે પણ લીગ મેચમાં ટકરાઈ જયા બંને વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી.

પ્રથમ કવાર્ટરમાં સાઉથ કોરીયાએ બોલ પોતાના કબજામાં રાખી ભારતીય ટીમ પર દબાણ બનાવ્યુ હતું પરંતુ ભારતે તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. કોરીયા પાસે ગોલ કરવાની ઘણી તક હતી પરંતુ પ્રથમ ૧૫ મિનિટ સુધી એકેય ગોલ થયો નહોતો. બીજી કવાર્ટરમાં પણ કોરીયાએ આક્રમણ વધાર્યુ હતું અને બે મિનિટની અંદર ત્રણ પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા પરંતુ ભારતીય ગોલકીપર સવિતાને કારણે ગોલ થઈ શકયો નહતો. કોરીયાની યોંગસીલ લીએ ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. તે પછી ત્રીજા અને ચોથા કવાર્ટરમાં એકેય ગોલ ન થતા કોરીયાએ ટાઈટલ જીતી લીધુ હતું.

(3:37 pm IST)