Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

22 વર્ષ બાદ આર્સેનલ કલબના કોચ - મેનેજર તરીકો કાર્યભાળ છોડશે એર્સેન વેંગરે

નવી દિલ્હી: ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં આર્સેનલ કલબના કોચ - મેનેજર તરીકે છેલ્લા ૨૨ વર્ષથી જવાબદારી સંભાળી રહેલા એર્સેન વેંગરે ચાલુ સિઝનના અંતે વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. આર્સેનલના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળમાં એર્સેન વેંગરે ૮૦૦થી વધુ મેચોમાં ટીમને માર્ગદર્શન પુરુ પાડયું હતુ અને ૧૦ મેજર ટ્રોફી જીતવામાં પણ સફળતા મેળવી હતી. ફ્રેન્ચ કોચ વેંગર તેમનો આર્સેનલ સાથેનો કોન્ટ્રાક્ટ પુરો થાય તેના એક વર્ષ પહેલા કામગીરી છોડી રહ્યા છે. બે દાયકાથી વધુ સમયના કાર્યકાળ દરમિયાન વેંગર અનેક ચડાવ-ઉતાર જોઈ ચૂક્યા છે. ચાલુ વર્ષે આર્સેનલનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો અને તેઓ છઠ્ઠા સ્થાને રહ્યા હતા. હવે જો આર્સેનલ આ વર્ષે યુરોપા લીગ જીતવામાં નિષ્ફળ રહેશે તો તેઓ આવતા વર્ષે ચેમ્પિયન્સ લીગમાં પ્રવેશ પણ ગુમાવશે. ૬૮ વર્ષની ઉંમરે પહોંચેલા વેંગરે કહ્યું કે, ઘણી ઊડાણપૂર્વકની વિચારણા અને કલબ સાથેની ચર્ચા બાદ મને લાગે છે કે આ રાજીનામું આપવાનો શ્રેષ્ઠ સમય છે. આટલો લાંબો સમય મને કલબની સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ હું ગર્વ અનુભવું છુ. હું મારા સપોર્ટ સ્ટાફ, કલબના ખેલાડીઓ, ડાયરેક્ટર્સ તેમજ ચાહકોનો પણ આભાર માનવા માગુ છુ. વેંગરના કાર્યકાળમાં આર્સેનલ ત્રણ વખત ઈંગ્લિશ પ્રીમિયર લીગ અને સાત વખત એફએ કપ જીતવામાં સફળ રહી હતી. વેંગરની આર્સેનલના મેનેજર તરીકે ઓક્ટબર, ૧૯૬૬માં નિયુક્તિ થઈ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ટીમના સરેરાશ દેખાવને કારણે ચાહકોએ સતત વેંગરના રાજીનામાની માગ સાથે તેમના પર દબાણ વધાર્યું હતુ.

(5:08 pm IST)