Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી નોંધાવી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા થોમસ બાચ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે, ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને વર્ષ ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી નોંધાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આઇઓસીના પ્રેસિડેન્ટ થોમસ બાચની હાજરીમાં આઈઓએના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ ૨૦૨૬માં યુથ ઓલિમ્પિક, ૨૦૩૦ની એશિયન ગેમ્સ અને ૨૦૩૨ના ઓલિમ્પિકની યજમાની માટે ભારત દાવેદારી નોંધાવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે ઊમેર્યુ હતુ કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના લોંગ ટર્મના પ્લાનિંગમાં આ ત્રણ મેજર ઈવેન્ટ્સની યજમાની સામેલ છે. આઇઓસીના વડા થોમસ બાચ ગઈકાલે મોડી રાત્રે ભારતના રમત મંત્રી અને ઓલિમ્પિક મેડાલીસ્ટ રાજ્યવર્ધન રાઠૌરને પણ મળ્યા હતા. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની નવા ચૂંટાયેલા હોદ્દેદારો સાથેની મુલાકાત બાદ થોમસ બાચ અને આઇઓએના પ્રેસિડેન્ટ નરેન્દ્ર બત્રાએ મીડિયાની સાથે વાતચીત કરી હતી. બત્રાએ જણાવ્યું કે, અમે ત્રણ મેજર ઈવેન્ટ્સની યજમાની મેળવવા ઈચ્છીએ છીએ અને આ માટે તમામ પ્રયાસ કરીશું. ભલે અમને યજમાની મળે કે ના મળે, પણ અમે યજમાની મેળવવા માટે કેવી સ્પર્ધા થાય છે તેનો અહેસાસ કરવા ઈચ્છીએ છીએ. જોકે ભારતે રજુ કરેલી ૨૦૩૨ના ઓલિમ્પિકની યજમાની મેળવવાની દાવેદારી અંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રેસિડેન્ટ થોમસ બાચે કોઈ પ્રકારની ખાતરી આપી નહતી. તેમણે કહ્યું કે, મારે અત્યારના તબક્કે એટલું જ કહેવું છે કે, ભારતમાં ખુબ જ ક્ષમતા છે. મને આશા છે કે એક દિવસ ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવશે. જોકે વર્ષ ૨૦૨૬ના યુથ ઓલિમ્પિક તેમજ ૨૦૩૨ના ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી નોંધાવવાની બીડ્ઝ હજુ અમ ખોલી જ નથી. એટલે તે અંગે હાલના તબક્કે કંઈ પણ કહેવું યોગ્ય નહિ કહેવાય.

(5:06 pm IST)