Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

શ્રીનિવેતાની, મનુ ભાકર અને યશસ્વિનીએ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતે ફાઇનલમાં પોલેન્ડને ૧૬-૮થી પરાજય આપ્યો : બીજીતરફ પ્રતાપ સિંહ તોમર, દીપક અને પંકજ કુમારની ભારતીય એર રાઇફલ પુરૂષ ટીમે સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હી,તા.૨૧ : ભારતીય શૂટર મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને શ્રીનિવેતાએ આઈએસએસએફ વિશ્વ કપ શૂટિંગના ત્રીજા દિવસે રવિવારે મહિલા ૧૦ મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં પોલેન્ડને ૧૬-૮થી પરાજય આપ્યો હતો.  બીજીતરફ એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારની ભારતીય એર રાઇફલ પુરૂષ ટીમે સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં ૧૪ પોઈન્ટ બનાવ્યા અને તે લુકાસ કોજેનીસ્કી, વિલિયમ સૈનર અને ટિમોથી શેરીની અમેરિકી ટીમ બાદ બીજા સ્થાને રહી હતી.

       અમેરિકી ટીમે ૧૬ પોઈન્ટ બનાવ્યા હતા.  ભારતીય ટીમ ૬૨૩.૪ પોઈન્ટ લઈને બીજા સ્થાને રહેતા ગોલ્ડ મેડલના રાઉન્ડમાં પહોંચી હતી. આ ક્વોલીફાઇંગ રાઉન્ડમાં પણ અમેરિકા ૬૨૫.૨ પોઈન્ટ લઈને ટોપ પર રહ્યું હતું. દક્ષિણ કોરિયાની ટીમે ઈરાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પૂર્વ પહેલા ક્વોલીફિકેશનમાં ભારતીય ટીમે ૧૮૮૫.૯ પોઈન્ટ લઈને પ્રથમ સ્થાન હાસિલ કર્યુ હતું. અમેરિકા ૧૮૮૦.૮ પોઈન્ટ સાથે બીજા અને દક્ષિણ કોરિયા ૧૮૮૦.૩ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. મહિલાઓની એર રાઇફલ સ્પર્ધામાં નિશા કંવર, શ્રીયંકા શદાંગી અને અપૂર્વી ચંદેલાની ભારતીય ટીમે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. તેણે ૬૨૩.૭ પોઈન્ટ બનાવ્યા જ્યારે પોલેન્ડે ૬૨૪.૧ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમેરિકાએ મહિલાઓના વર્ગમાં ૬૨૭.૩ પોઈન્ટ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ડેનમાર્કે ૬૨૫.૯ પોઈન્ટ બનાવ્યા અને તેણે સિલ્વર મેડલ કબજે કર્યો હતો.

(7:26 pm IST)