Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જે યુનિવર્સિટીમાં હું ભણી રહ્યો છું એનો ટોપર છે ધોની

વિશ્વના ગ્રેટ ફિનિશર સાથેની સરખામણીને અયોગ્ય ગણાવતા કાર્તિકે કહ્યું...

દિનેશ કાર્તિક ભલે બાંગ્લાદેશ સામે ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સીરીઝમાં આઠ બોલમાં નોટઆઉટ ૨૯ રન બનાવીને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હોય, પરંતુ વિકેટકીપર - બેટ્સમેનનું કહેવુ છે કે જયારે શ્રેષ્ઠ ફિનીશરની વાત આવે છે તો હું જાતને યુનિવર્સિટીનો સ્ટુડન્ટ માનુ છું તો મહેન્દ્રસિંહ ધોની એનો ટોપર છે. ગઈકાલે ચેન્નાઈમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યુ હતું કે જયારે ધોનીની વાત આવે તો હું હજી યુનિવર્સિટીમાં ભણી રહ્યો છું જયારે તે ટોપર છે. તે એક એવો ખેલાડી છે જેનું હું હંમેશા અનુકરણ કરૂ છું. તેની સાથે સરખામણી યોગ્ય નથી.

રસપ્રદ વાત એ છે કે કાર્તિક સપ્ટેમ્બર-૨૦૦૪માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું તો ધોનીએ એના ત્રણ મહિના બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની દ્વિપક્ષી સીરીઝમાં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ ૧૪ વર્ષ દરમિયાન ધોની ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન બન્યો અને મર્યાદિત ઓવરોનો સફળ ક્રિકેટર બન્યો તો કાર્તિક સંઘર્ષ કરતો રહ્યો. કાર્તિકે કહ્યુ હતુ કે ધોનીની કરીઅર અલગ હતી, મારી કરીઅર અલગ છે. તે ઘણો શરમાળ હતો, આજે તે એવી વ્યકિત છે જે યુવાઓને મદદ માટે સરળતાથી બોલે છે. મારા મતે સરખામણી યોગ્ય નથી. તે યુનિવર્સિટીનો ટોપર છે તો હું હજી ભણી રહ્યો છે, પરંતુ જે સ્થિતિમાં છું એનાથી હું ખુશ છું.

(3:52 pm IST)