Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પાકિસ્તાનમાં રમવા વેસ્ટ ઈન્ડિઝના દરેક ખેલાડીઓને મળશે ૧૬ લાખ રૂપિયા

કરાચીના મેદાનમાં ૧,૨ અને ૩ એપ્રિલે રમાશે ટી-૨૦ મેચો

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનમાં આવતા મહિને યોજાનારી ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં રમવા માટે તમામ કોન્ટ્રેકટવાળા અને કોન્ટ્રેકટ વગરના ખેલાડીઓને વધુ રકમની લાલચ આપી રહી છે. ત્યારબાદ બોર્ડ ૧૩ સભ્યોની ટીમની ઘોષણા કરશે જે પાકિસ્તાનના પ્રવાસે જશે. કેટલી રકમ આપવામાં આવશે એની ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ આ સીરીઝમાં રમનારા ખેલાડીઓને ત્રણ મેચ માટે ૨૫-૨૫ હજાર ડોલર એટલે કે અંદાજે ૧૬ લાખ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ પાકિસ્તાનના કરાચીમાં ૧,૨ અને ૩ એપ્રિલે ટી-૨૦ મેચો રમવાની છે. ખેલાડીઓના કોન્ટ્રેકટ કરતા ૭૦ ટકા વધુ રકમ આપવામાં આવશે. વેસ્ટ ઈન્ડીઝના નવા કોન્ટ્રેકટ મુજબ કોન્ટ્રેકટ વગરના ખેલાડીઓને ૫૦૦૦ ડોલર એટલે કે ૩.૨૬ લાખ રૂપિયા અપાશે. વેસ્ટ ઈન્ડિઝ પોતાના ખેલાડીઓને જે રકમ આપશે એ તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી મળશે. બંને દેશો વચ્ચેની આ સીરીઝ આઈસીસીની ફયુચર ટૂર પ્રોગ્રામનો ભાગ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ફયુચર ટૂર પ્રોગ્રામના બહારની કોઈ સિરીઝ માટે બધા આ રીતે ખેલાડીઓને ચુકવણી કરતા હોય છે.

(3:50 pm IST)