Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ધોનીની નિવૃત્તિ અંગે રાજીવ શુક્લાએ કહ્યું 'માહી'માં હજુ ઘણું ક્રિકેટ બાકી છે : અલવિદાનો નિર્ણય તે લેશે

ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં ભવિષ્ય વિશે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. માહીની નિવૃત્તિને લઇને બીસીસીઆઈનાં વડા સૌરવ ગાંગુલીને લઇને કેપ્ટન વિરાટ કોહલી સુધી પોતાની વાતને રાખી છે. આ સંદર્ભમાં, હવે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ મેનેજર, રાજીવ શુક્લાએ પણ ગાંગુલી અને વિરાટની વાતને પુનરાવર્તિત કરી હતી કે ધોની પોતે જ નિવૃત્તિ લેવાનું નક્કી કરશે. શુક્લાએ કહ્યું કે ક્રિકેટને ક્યારે અલવિદા કહે તેનો નિર્ણય તે પોતે લેશે.

તેમણે કહ્યું કે, બીસીસીઆઈની નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ તેમની નિવૃત્તિ અંગે પોતે જ નિર્ણય લેશે. આઇપીએલનાં પૂર્વ અધ્યક્ષ શુક્લાએ કહ્યું કે, ધોનીમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે. 2014 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા માહી લગભગ 7 મહિનાથી ક્રિકેટનાં મેદાનથી બહાર છે. ધોનીએ તેની છેલ્લી મેચ વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

ટી-20 અને વનડે ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીનાં ભાવિ વિશે સતત અટકળો ચાલી રહી છે. ભારતને 3 આઈસીસી ટાઇટલ જીતાડનાર ધોની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો છે. પરંતુ તે આઈપીએલની 13 મી સીઝનથી ક્રિકેટનાં મેદાનમાં ફરી પરત ફરવા જઇ રહ્યો છે. તે આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને હંમેશાની જેમ તે આ વખતે પણ ટીમનો ચાર્જ સંભાળશે.

(1:05 am IST)