Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વર્લ્ડ કપના કાર્યક્રમમાં બદલાવ થાય તેવી શક્યતા નથી: આઈસીસી

નવી દિલ્હી: વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાને ચાલી રહેલી અટકળો વચ્ચે આઈસીસીએ નિવેદનમાં કહ્યું કે, વર્લ્ડ કપના કાર્યક્રમમાં બદલાવ થાય તેવી શક્યતા નથી. આતંકવાદી હુમલા બાદ હરભજનસિંહે કહ્યું હતું કે, ભારતે 16મી જૂને પાકિસ્તાન સામે મુકાબલો ન રમવો જોઈએ. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. બીસીસીઆઈ પ્રમાણે સરકારના દિશાનિર્દેશ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો સરકાર ના કહે તો પાકિસ્તાન સામે મેચ નહીં રમીએ.બીસીસીઆઈના સૂત્ર પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ આગામી સમયમાં સ્પષ્ટતા થશે. તેમાં આઈસીસીને કંઈ કરવાનું નથી. જો સરકારનો નિર્દેશ હોય કે અમારે પાકિસ્તાન સાથે રમવાનું નથી તો અમે નહીં રમીએ. દરમિયાન બીસીસીઆઈના સિનિયર અધિકારીના મતે હરભજને પોતાનો પક્ષ રાખ્યો પરંતુ જો આપણે પાકિસ્તાન સામે સેમિફાઇનલ અને ફાઇનલમાં રમવું પડે તો શું કરીશું. જો આપણે નહીં રમીએ તો પાકિસ્તાન સીધું જીતી જશે. આ મામલે આઈસીસી સાથે બીસીસીઆઈની કોઈ વાત થઈ નથી. આપણે કાલ્પનિક પરિસ્થિતિ પર વાત કરી રહ્યા છીએ. ભારતે 1999માં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ રમી હતી જ્યારે કારગિલ યુદ્ધ થયું હતું. બીજી તરફ આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે, આ આતંકવાદી ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યો સાથે પરિસ્થિતિ પર નજર રાખીશું. એવા કોઈ સંકેત નથી કે વર્લ્ડ કપની કોઈ પણ મેચ નિર્ધારિત સમય મુજબ ન યોજાય. ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની ક્ષમતા છે અને અમે આ આધારે પોતાના સભ્યો સાથે કામ કરીશું.

(5:52 pm IST)