Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રોહિત શર્માએ ઓસ્‍ટ્રેલિયા વિરૂદ્ધની મેચના એક દિવસ બાદ પોતાના જ સાથી ખેલાડી યુજવેન્‍દ્ર ચહલને ટ્રોલ કરી નાખ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારનારા રોહિત શર્મા હવે બીજા કારણોથી ચર્ચામાં છે. રોહિત શર્માએ મેચના એક દિવસ બાદ પોતાના જ સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલને ટ્રોલ કરી નાખ્યો. રોહિતે ટ્વિટર પર યુજીની એક શર્ટલેસ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં યુજવેન્દ્રની છાતી પર બનેલું ટેટુ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. યુજવેન્દ્ર ચહલ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં ટીમમાં તો સામેલ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહતી મળી.

યુજવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાના સૌથી મસ્તીખોર ખેલાડીઓમાંથી એક છે. તે છાશવારે સાથી ખેલાડીઓ સાથે મજાક કરતો જોવા મળે છે. પરંતુ રોહિત શર્માએ સોમવારે ચહલની મજાક બનાવી દીધી જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ.

રોહિત શર્માએ સોમવારે એક તસવીર ટ્વીટ કરી. જેમાં એક બાજુ રેસલર અને એક્ટર ડ્વેન જ્હોનસન અને બીજી બાજુ યુજવેન્દ્ર ચહલની શર્ટલેસ તસવીર છે. બંનેની છાતી પર ટેટુ છે. ડ્વેન જોનસન ધ રોક નામથી પણ લોકપ્રિય છે.

રોહિતની આ પોસ્ટને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે ડ્વેન જ્હોનસન અને યુજવેન્દ્ર ચહલ વચ્ચે હવે કુશ્તીનો એક મુકાબલો પણ થવો જોઈએ. જો કે કેટલાક લોકો યુજવેન્દ્રના પક્ષમાં જોવા મળી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે મન નાનું ન કરો યુજી, નેક્સ્ટ ટાઈમ તમે રોહિતના પેટની તસવીર પોસ્ટ કરી નાખજો.

(4:53 pm IST)