Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પાકિસ્‍તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને સિનિયર ઓફ સ્પિનર સના મીર ઓસ્‍ટ્રેલિયામાં યોજાનાર મહિલા ટી૨૦ વિશ્વકપ માટેની ટીમમાંથી બાકાત

કરાચીઃ પૂર્વ કેપ્ટન અને સીનિયર ઓફ સ્પિનર સના મીરને સોમવારે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા મહિલા ટી20 વિશ્વ કપ માટે પાકિસ્તાનની 15 સભ્યોની મજબૂત ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. મહિલા પસંદગી સમિતિએ આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શન તથા ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં ટીમના સંયોજનનો હવાલો આપતા સનાને ટીમમાં જગ્યા આપી નથી.

ચીફ સિલેક્ટર અરૂજ મુમતાજે કહ્યું કે, સનાને બહાર કરવી મુશ્કેલ હતી પરંતુ ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન આશા પ્રમાણે નથી. 34 વર્ષીય સનાએ આઈસીસી 50 ઓવર અને ટી20 વિશ્વ કપ બંન્નેમાં પાકિસ્તાનની આગેવાની કરી છે અને તે દેશ માટે 120 વનડે અને 102 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકી છે.

પાકિસ્તાનની ટીમ 31 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 7, 9 અને 11 ફેબ્રુઆરીએ ત્રણ પ્રેક્ટિસ મેચ રમશે.

ટીમ આ પ્રકારે છેઃ બિસ્મા મારૂફ, એમન અનવર, આલિયા રિયાઝ, અનામ અમીન, આયશા નસીમ, ડાયના બેગ ફાતિમા સના, ઇરામ જાવેદ, ઝાવિરા ખાન, મુનીબા અલી, નિદા ડાર, ઓમેમા સોહેલ, સાદિયા ઇકબાલ, સિદારા નવાઝ (વિકેટકીપર) અને સૈયદ અરૂબ શાહ.

(4:52 pm IST)