Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મહેન્‍દ્ર સિંહ ધોની ન્‍યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ૧૯૭ રન બનાવી લેશે તો સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટશે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં ધોની વનડે સિરીઝ રમવા ઉતરશે તો તેની નજર સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવા પર હશે. ધોનીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડમાં રમેલી 10 વનડેમાં 456 રન બનાવ્યા છે અને તે વન-ડે ક્રિકેટમાં અહીં સૌથી વધારે રન બનાવવાનારા ભારતીયોની લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. જો ધોની આ સિરીઝમાં 197 રન બનાવી લેશે તો તે સચિનના રેકોર્ડને તોડીને પહેલા સ્થાને પહોંચી જશે.

સચિન તેન્ડુલકરે અહીં 18 મેચ રમીને ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધારે 652 રન બનાવ્યા છે. તેના પછીના ક્રમે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનું નામ છે, જેણે ન્યૂઝીલેન્ડમાં 12 મેચ રમીને 598 રન બનાવ્યા છે. હવે ધોની જૂના રંગમાં પાછો ફર્યો છે એવામાં તેના ફેન્સની પણ ઈચ્છા હશે કે તે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની લિસ્ટમાં પ્રથમ ક્રમે રહે.

ઓસ્ટ્રેલિયાની ટૂર પહેલા ક્રિકેટ જાણકારો ધોનીના ફોર્મ પર સવાલ ઉઠાવી રહ્યા હતા અને 37 વર્ષના બેટ્સમેનને વર્લ્ડકપ માટે યોગ્ય ઓપ્શન નહોતા માનતા. પરંતુ ધોનીએ પોતાની બેટિંગ દ્વારા સ્કોર કરીને ટિકાકારોનું મોઢુ બંધ કરી દીધું છે.

(5:02 pm IST)