Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અન્ડર-૧૯ ખેલાડીઓનો વિવાદ

બીસીસીઆઈ ભારતના યુવા ખેલાડીઓ સામે પગલા લ્યેઃ કપિલ દેવ- અઝહરુદ્દીન

બાંગ્લાદેશે જે કર્યુ તે તેનો પ્રોબલેમ છે, આપણે ખરાબ બોલીંગ, ફીલ્ડીંગના લીધે હાર્યા

નવીદિલ્હીઃ અન્ડર ૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત- બંગલા દેશના પ્લેયરો વચ્ચે થયેલી બોલાચાલીનો કિસ્સો ધીમે- ધીમે વકરી રહ્યો છે. હાલમાં ઈન્ડિયન ટીમના દિગ્ગજ ભૂતપૂર્વ પ્લેયર કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીને ભારતીય ક્રિકેટ બોર્ડને આ વિવાદમાં ભારતીય પ્લેયરો સામે કડક પગલાં લેવાંની વિનંતી કરી છે જેથી કરીને એક દાખલો લોકો સામે મૂકી શકાય. આ સંદર્ભમાં કપિલ દેવે કહ્યું હતું કે 'હું ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરું છે કે આ કિસ્સામાં ખેલાડીઓ સામે કડક પગલાં લઈને એક દાખલો પૂરો પાડે. ક્રિકેટ વિરોધી ટીમને અપમાનિત કરવા માટે નથી. અગ્રેશન આવે એ હું માનું છું, પણ એમાં પણ લિમિટ હોવી જોઈએ. સ્પર્ધાના નામે લાઈન ક્રોસ ન કરી શકો. ક્રિકેટના મેદાનમાં પ્લેયરોનું વર્તન ઘણું ખરાબ હતું જે સ્વીકાર્ય નથી.'

મોહમ્મદ અઝહરુદ્દીને પણ કપિલ દેવના સૂરમાં સૂર પુરાવ્યો હતો. અઝહરુદ્દીને કહ્યું હતું કે 'હું અન્ડર ૧૯ પ્લેયરો સામે એકશન લઈશ, પરંતુ મારે એ પણ જાણવું છે કે સપોર્ટ સ્ટાફ આ યંગસ્ટર્સને એજયુકેટ કરવામાં શું રોલ નીભાવે છે. વધારે મોડું થાય એ પહેલાં હમણાં જ કોઈ એકશન લો. પ્લેયરોએ અનુશાસનમાં રહેવું જોઈએ. બંગલા દેશે જે કર્યું એ તે લોકોનો પ્રોબ્લેમ છે. તમે ખરાબ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કરી એને લીધે હાર્યા. તમારા ખરાબ અનુભવની વાત સ્વીકારો. તેમની નાની ઉંમરને કારણે નિર્દોષ ન ગણી શકાય'

(4:07 pm IST)