Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મિચેલ સ્ટાર્કે બનાવ્યો એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ : ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડ્યો

૨૦૦૭ ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ગ્લેન મેકગ્રાએ ૨૬ વિકેટ લઈને ચામિંડા વાસનો રેકોર્ડ તોડ્યો હતો

ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલ ક્રિકેટ વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એક ખાસ સિદ્ધી પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરસ્ટોને આઉટ કરતા મિચેલ સ્ટાર્કે કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. મિચેલ સ્ટાર્કે આ સિદ્ધી પોતાના જ દેશના દિગ્ગજ બોલર રહેલા ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડી પ્રાપ્ત કરી છે.

  વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલ ૨૦૦૭ ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ગ્લેન મેકગ્રાએ ૨૬ વિકેટ લઈને ચામિંડા વાસનો રેકોર્ડ તોડ્યો હતો. મિચેલ સ્ટાર્કે આ વર્લ્ડ કપમાં ૨૭ વિકેટ પ્રાપ્ત કરી છે અને તે અત્યારે કોઈ પણ સત્રમાં સૌથી વધુ વિકેટ ,લેનાર બોલર બની ગયા છે.

  ૨૦૦૩ માં આ રેકોર્ડ ચામિંડા વાસના નામે હતો. ૨૦૦૩ ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ચામિંડા વાસે સૌથી વધુ ૨૩ વિકેટ લીધી હતી. આમ તો ક્રિકેટની બાબતમાં સૌથી મોટો રેકોર્ડ ૨૦૦૭ માં વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. ગ્લેન મેકગ્રા સિવાય તે વર્લ્ડ કપમાં શોન ટેટ પણ ૨૩ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

  વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર મુથૈયા મુરલીધરને પણ ૨૦૦૭ ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ૨૩ વિકેટ પોતાના નામે કરી હતી. ૨૦૦૭ ના ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રીસ વોક્સ (૩/૨૦) ની શાનદાર બોલિંગ બાદ જેસન રોયની શાનદાર બેટિંગથી ઇંગ્લેન્ડની ટીમ ૨૭ વર્ષ બાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં રમાયેલ બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલીયન ટીમને પ્રથમ બેટિંગ કરતા ૨૨૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા ૩૨.૧ ઓવરમાં આ ટાર્ગેટને પ્રાપ્ત કરી લીધો હતો.

(11:58 am IST)