Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ક્રિકેટ વર્લ્‍ડકપનો ઇતિહાસઃ 197પમાં ભારત વર્લ્‍ડકપની પ્રથમ મેચ રમ્‍યુ હતું: ઇંગ્‍લેન્‍ડની ટીમ વિજેતા થયેલ

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ એટલે કે વિશ્વ કપ 30 મે 2019થી ઈંગ્લેન્ડમાં અને વેલ્સમાં શરૂ થશે. આ વખતે ક્રિકેટ વિશ્વકપની યજમાની તે દેશ કરી રહ્યો છે, જેના નામે આ ટૂર્નામેન્ટમાં એકપણ ટાઇટલ નથી. ક્રિકેટ વિશ્વ કપમાં વનડે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) દ્વારા દર ચાર વર્ષ બાદ કરવામાં આવે છે.

ક્રિકેટ વિશ્વ કપનો ઈતિહાસ

ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની શરૂઆત 1912માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 1975માં ટેસ્ટ ક્રિકેટ રમતા દેશો વચ્ચે એક સ્પર્ધાના રૂપમાં લાવવામાં આવ્યું. પ્રથમ વિશ્વ કપમાં ટેસ્ટ ક્રિકેટ રમનારા છ દેશ (ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને પાકિસ્તાન) સામેલ હતા. આ સિવાય શ્રીલંકા અને ઈસ્ટ આફ્રિકાએ પણ તેમાં ભાગ લીધો હતો.

ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઈ. અત્યાર સુધી તેની 11 સિઝનોમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સર્વાધિક 5 વખત વિશ્વ કપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝે 2-2 વાર અને શ્રીલંકા અને પાકિસ્તાને એક-એક વખત ટાઇટલ જીત્યું છે.

આવો એક નજર કરીએ 1975થી લઈને અત્યાર સુધી ક્રિકેટ વિશ્વ કપના પરિણામો પરઃ

1975 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ અપ)

1979 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1983 ભારત (ચેમ્પિયન), વેસ્ટ ઈન્ડિઝ (રનર્સ-અપ)

1987 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1992 પાકિસ્તાન (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1996 શ્રીલંકા (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ-અપ)

1999 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), પાકિસ્તાન (રનર્સ અપ)

2003 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ભારત (રનર્સ અપ)

2007 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ-અપ)

2011 ભારત (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ અપ)

2015 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ન્યૂઝીલેન્ડ (રનર્સ અપ)

તમને જણાવી દઈએ કે 12મો આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 30 મે 2019થી 14 જુલાઈ 2019 સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચ રમાશે. ઉદ્ઘાટન મેચ યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 મે 2019ના ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાકે રમાશે. વિશ્વકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આઉથ આફ્રિકા વિરુદ્ધ રમીને કરશે.

વર્લ્ડ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા પહેલા કેરેબિયન ખેલાડીઓનો દબદબો હતો. ક્રિકેટરો ત્યારે સફેદ કપડામાં અને લાલ બોલથી રમતા હતા. વર્ષ 1975માં 7 જૂને પ્રથમ વિશ્વ કપ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી. પ્રથમ વિશ્વ કપ 7થી 21 જૂન વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાયો હતો. આ દરમિયાન દરેક મેચ 60 ઓવરની હતી.

- આ વિશ્વ કપમાં પ્રથમ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી અને ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. સુનીલ ગાવસ્કરે 174 બોલમાં નોટ આઉટ રહેતા માત્ર 36 રન બનાવ્યા હતા.

- 1975ના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટઈન્ડિઝે કપ પોતાના નામે કર્યો હતો.

(5:43 pm IST)