Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

એટીપી ફાઇનલ્સમાંથી રાફેલ નડાલે નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી: સ્પેનના રફેલ નડાલ ઈજાને કારણે આગામી ૧૧મી નવેમ્બરથી શરૂ થઈ રહેલી વર્ષની અંતિમ ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો છે. નડાલ ખસી જતાં ૧૦મો ક્રમાંક ધરાવતા અમેરિકાના જ્હોન ઇસનેરને સ્થાન અપાયું છે. બીજો ક્રમાંક ધરાવતો રફેલ નડાલને એટીપી ફાઇનલ્સમાં ટોચનો ક્રમાંક અપાયો હતો.નડાલ એટીપી ફાઇનલ્સમાંથી ખસી જતાં હવે નોવાક જોકોવિચ માટે વર્ષનો અંત નંબર વન તરીકે કરવાનું નિશ્ચિત કરી દીધું છે. નડાલે કહ્યું કે, તેના જમણા પગના ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું છે જ્યારે તેના પેટમાં પણ તકલીફ છે જેને કારણે તે ગત અઠવાડિયે પેરિસ માસ્ટર્સમાંથી પણ ખસી ગયો હતો. નડાલનો એટીપી ફાઇનલ્સમાંથી ખસવાનો સીધો ફાયદો જોકોવિચને થયો છે. હવે જોકોવિચ પાંચમી વખત વર્ષના અંતે નંબર વન ખેલાડી તરીકે સમાપન કરશે. ઉલ્લેખનીય છે કે, રફેલ નડાલ વર્ષ ૨૦૦૫થી સતત ૧૪મા વર્ષે એટીપી ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ થયો હતો પરંતુ તે પૈકી સાત વખત ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.નડાલે કહ્યું કે, મારા માટે વર્ષનું સમાપન અહીં થઈ ગયું છે. મારા માટે સિઝન ઘણું કન્ફ્યૂઝ રહ્યું છે. ટેનિસની રીતે સારું પરંતુ ઈજાની રીતે ઘણું ખરાબ રહ્યું છે. નડાલે વર્ષે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું જ્યારે વિમ્બલ્ડન અને યુએસ ઓપનની સેમિમાં પહોંચ્યો હતો. યુએસ ઓપનમાં ઈજાને કારણે ખસી જવું પડયું હતું.

(2:45 pm IST)