Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૩૦મી જુલાઈથી ચીનમાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ પ્રારંભ

નવી દિલ્હી: ચાલુ મહિનાના અંત ભાગમાં ચીનના નાન્જીંગ શહેરમાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપનું આયોજન થવાનું છે, જેમાં ભારતના ૨૦ જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની આશાઓ રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ પી.વી. સિંધુ પર ટકેલી છે. જોકે આજે જાહેર થયેલા ડ્રો અનુસાર સિંધુ અને વર્લ્ડ ટાઈટલની વચ્ચે જાપાનીઝ ખેલાડી ઓકુહારા આડખીલી બની શકે છે. ઓકુહારાએ સિંધુને ગત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હરાવી હતી. તાજેતરમાં ઈન્ડોનેશિયાની ફાઈનલમાં પણ તેણે સિંધુને હરાવી હતી. ૩૦મી જુલાઈથી ચીનમાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ શરૃ થઈ રહી છે. ગત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની સિંધુને સિલ્વર અને સાયના નેહવાલને બ્રોન્ઝ મળ્યો હતો. જોકે વખતે ભારતીય ખેલાડીઓને મુશ્કેલ ડ્રો મળ્યો છે. સિંધુને બીજા રાઉન્ડમાં ફિટ્રિએની સામે, ત્રીજા રાઉન્ડમાં નવમો સીડ ધરાવતી સુંગ જી હ્યુંન સામે અને ક્વાર્ટર્સમાં ઓકુહારા સામે રમવાનું આવી શકે છે. ૧૦મો સીડ ધરાવતી સાયનાને બીજા રાઉન્ડમાં તો આસાન ડ્રો મળ્યો છે, પણ ત્રીજા રાઉન્ડમાં થાઈલેન્ડની ચોથો સીડ ધરાવતી ઈન્થાનોન તેના માટે મુશ્કેલીરૃપ બની શકે છે. મેન્સ સિંગલ્સમાં ભારતના કિદામ્બી શ્રીકાંતને પણ મુશ્કેલ ડ્રો મળ્યો છે. તેને સેમિ ફાઈનલ અગાઉ ૧૩મો સીડ ધરાવતા જોનાથન ક્રિશ્ચીયન, ૧૨મો સીડ ધરાવતા એન્થોની જીન્ટીગ સામે અને ત્યાર બાદ બીજો સીડ ધરાવતા મલેશિયાના લી ચોંગ વેઈ સામે રમવાનું આવી શકે છે.

(5:36 pm IST)