Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

૧૩ વખતની ચેમ્પિયન ટીમ રિયલ મેડ્રિડને પ્રથમ રાઉન્ડમાં બહાર

નવી દિલ્હી: ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના ગ્રૂપ-એમાં પેરિસ સેન્ટ જર્મેન ક્લબે (પીએસજી) ૩-૦થી વિજય મેળવતા ૧૩ વખતની ચેમ્પિયન ટીમ રિયલ મેડ્રિડને પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. પીએસજી તરફથી અનુભવી ખેલાડી એન્જલ ડી મારિયોએ બે તથા થોમસ મ્યુનિયરે એક ગોલ નોંધાવ્યો હતો. બીજી તરફ સ્પેનની અન્ય ક્લબ એટ્લેટિકો મેડ્રિડે એક સમયે ૦-૨થી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ઇટાલિયન ક્લબ જુવેન્ટ્સ સામેનો મુકાબલો ૨-૨થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુવેન્ટ્સ માટે મેચમાં એક પણ ગોલ નોંધાવી શક્યો નહોતો. પેરિસ સેન્ટ જર્મેન સામેની મેચમાં રિયલ મેડ્રિડનો એક પણ ખેલાડી ગોલપોસ્ટ ઉપર શોટ મારી શક્યો નહોતો. ૨૦૦૩-૦૪ બાદ રિયલ મેડ્રિડ પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગના પ્રથમ મુકાબલામાં હારી છે. દરમિયાન તેણે ૧૬૭ મેચ રમી હતી. પીએસજી ક્લબે સ્ટાર ખેલાડી નેમાર તથા કિલિયન એમ્બાપ્પે વિના વિજય હાંસલ કર્યો હતો. બંને ખેલાડીઓ ઈજાના કારણે પ્રારંભિક મુકાબલામાં રમી શક્યા નહોતા. એન્જલ ડી મારિયા ચાર વર્ષ રિયલ મેડ્રિડ માટે રમી ચૂક્યો છે અને તે ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી ટીમનો સભ્ય પણ હતો. ગ્રૂપ-ડીમાં એટ્લેટિકોના હોમગ્રાઉન્ડમાં રમાયેલા મુકાબલામાં જુવેન્ટ્સે ૪૮મી મિનિટે ગોલ કરીને ૧-૦ની લીડ મેળવી હતી. ત્યારબાદ ૬૫મી મિનિટે બ્લેસ મતુઇદીના બીજા ગોલના કારણે ટીમ ૨-૦થી આગળ થઈ ગઈ હતી. એક સમયે જુવેન્ટ્સની ટીમ મુકાબલાને આસાનીથી જીતી લેશે તેમ લાગતું હતું પરંતુ એટ્લેટિકોએ ૭૦મી મિનિટે સ્ટેફન સેવિચે નોંધાવેલા ગોલની મદદથી વળતો પ્રહાર કરીને સ્કોર ૨-૧નો કર્યો હતો. ત્યારબાદ નિર્ધારિત સમયની છેલ્લી મિનિટે હેક્ટર હેરેરાએ ટીમ માટે બીજો ગોલ કરતાં મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો

(5:48 pm IST)