Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ટી-20: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 13 રનથી આપી માત

નવી દિલ્હી: વિકેટકિપર બેટ્સમેન તાન્યા ભાટિયાની 35 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથેની 46 રનની ઈનિંગ બાદ પૂનમ યાદવે ચાર વિકેટ ઝડપતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ટ્વેન્ટી-20 સિરિઝની પ્રથમ મેચમાં 13 રનથી આસાન વિજય મેળવ્યો હતો.ભારતના આઠ વિકેટે 168ના સ્કોર સામે શ્રીલંકા 19.3 ઓવરમાં 155 રનમાં ખખડી ગયું હતુ. સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-0થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. તાન્યા ભાટિયાએ 35 બોલમાં 46 રન તેમજ જેમીમા રોડ્રીગ્યુઝ અને અનુજા પાટિલે 36-36 રન કર્યા હતા. જ્યારે આખરીપળોમાં વેદા ક્રિશ્નામૂર્તિએ 15 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 21 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી ઉદેશીકા પ્રબોધીની અને ચામારી અટ્ટાપટ્ટુએ બે-બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના 169 રનના ટાર્ગેટનો પીછો કરતાં શ્રીલંકાને યશોદા મેન્ડિસ અને ચામારી અટ્ટાપટ્ટુએ પોઝિટીવ શરુઆત અપાવતા 39 રનની ભાગીદારી કરી હતી. મીડલ ઓર્ડરમાં ઈશાની લોકુસુરિયાગેએ કાની જીતની આશા જન્માવતા 31 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 45 રન કર્યા હતા. ભારતની જીતમાં પૂનમ યાદવે મહત્વનો ફાળો આપતાં 26 રનમાં ચાર બેટસમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે રાધા યાદવ અને હરમનપ્રીત કૌરને બે-બે વિકેટ મળી હતી

(4:45 pm IST)