Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અેશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા ૪ ખેલાડીઓને કારણે જાપાનને શરમથી માથુ ઝુકાવવુ પડ્યુઃ ચારેય ખેલાડીઓ વેશ્યાવૃત્તિ માટે કુખ્યાત રેડલાઇટ અેરિયામાં ગયા હતાઃ જો કે અંતે માફી માંગી લીધી

જકાર્તાઃ જાપાનને 18મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા પોતાના ચાર ખેલાડીઓને કારણે શરમમાં મુકાવું પડ્યું છે. બાસ્કેટબોલના ચાર ખેલાડી યુયા નાગાયોશી, તાકુયા હાશિમોતો, તાકુમા સાતો અને કેઇતા ઇમામુરા વેશ્યાવૃતિ કૌભાંડમાં ઘેરાયા છે. તેઓને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. જાપાની ઓલંમ્પિક કમિટીએ પોતાના ખેલાડીઓની આ હરકત માટે માફી માંગી છે. 
 નેશનલ જર્સીમાં રેડલાઇટ એરિયામાં ફરતા હતા
જાપાનના ચીફ ડિ મિશન યાસુહીરો યામાશિતાએ જણાવ્યું, નાગાયોશી, હાશિમોતો, તાકુમા અને ઇમામુરા ગત સપ્તાહે ખેલ ગામમાં ડિનર કર્યા બાદ નેશનલ જર્સીમાં બહાર ગયા હતા. ત્યાં રસ્તા પર એક દલાલના સંપર્કમાં આવી ગયા. ત્યારબાદ ચારેય ખેલાડીઓ વેશ્યાવૃતિ માટે કુખ્યાત રેડલાઇટ એરિયામાં ગયા હતા. ત્યાં તે મહિલાઓ સાથે હોટલમાં જવા તૈયાર થયા હતા. ત્યારબાદ મહિલાઓને પૈસા આપવાની પણ તૈયારી દર્શાવી હતી. 

બાસ્કેટબોલ પ્રમુખે કહ્યું- અમને માફ કરી દો
જાપાની બાસ્કેટબોલના પ્રમુખ યુકો મિત્સુયાએ કહ્યું, હું જાપાનની જનતા અને તે તમામ લોકોની માફી માંગુ છું. જેમણે બાસ્કેટ બોલને આગળ વધારવામાં અમારી મદદ કરી છે. તે ચારેય ખેલાડીઓને જાપાન પરત મોકલી દેવામાં આવ્યા છે. અમે ઘટનાની તપાસ શરૂ કરી છે. આગળની કાર્યવાહી બાદમાં કરવામાં આવશે. અમારે તે નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં આવી ઘટના઼ ફરી ન બને. 

2014માં ચોરી કરતા પકડાયા હતા જાપાની એથલિટ્સ
જાપાનને સતત બીજી એશિયન ગેમ્સમાં શરમમાં મુકાવુ પડ્યું છે. આ પહેલા 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં જાપાનના સ્વિમર નોયા તોમિતા પત્રકારનો કેમેરો ચોરાતા ઝડપાયો હતો. સીસીટીવીમાં આ ઘટના કેદ થયા બાદ તોમિતાને એશિયન ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 

(6:03 pm IST)