Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

'ન્યૂઝીલેન્ડર ઓફ ધ ઇયર’એવોર્ડ માટે સ્ટોક્સ નોમિનેટ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વર્લ્ડ કપની ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શન દ્વારા ભલે ન્યૂઝીલેન્ડના લોકોનું દિલ તોડી નાખ્યું હોય પણ તેને કેન વિલિયમસનની સાથે ‘ન્યૂઝીલેન્ડર ઓફ ધ ઇયર’ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે આશરે ૧૦ ખેલાડી અને મહાનુભાવ મેદાનમાં છે. ડિસેમ્બરમાં આ એવોર્ડ મેળવનારા વ્યક્તિની જાહેરાત કરવામાં આવશે. બેન સ્ટોક્સને આ માન એટલા માટે મળી રહ્યું છે કે તે મૂળ ન્યૂઝીલેન્ડનો છે અને તે ૧૨ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર લંડન શિફ્ટ થયો હતો. ન્યૂઝીલેન્ડ માટે રગ્બી રમી ચૂકેલા તેના પપ્પા ગેરાર્ડ તે સમયે ઇંગ્લેન્ડમાં કોચિંગ આપતા હતા. બેન સ્ટોક્સ ત્યાં જ રહી ગયો પણ તેના મમ્મી-પપ્પા ડેબ અને ગેરાર્ડ ક્રાઇસ્ટચર્ચ પાછાં ફરી ગયાં હતાં. ‘ન્યૂઝીલેન્ડર ઓફ ધ ઇયર’ એવોર્ડ્સના પ્રમુખ કેમરન બેનેટે કહ્યું હતું કે ‘બેન સ્ટોક્સ ભલે ઇંગ્લેન્ડ માટે રમતો હોય, એ મૂળ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં જન્મ્યો છે. તેના મમ્મી-પપ્પા અહીં જ રહે છે. તેઓ ન્યૂઝીલેન્ડના મૂળ માઓરી વંશના છે. ન્યૂઝીલેન્ડના લોકો હજી તેના પર ન્યૂઝીલેન્ડનો અધિકાર માને છે. બીજી તરફ ફાઇનલમાં નિરાશા મળી હોવા છતાં કેન વિલિયમસને ગજબની શાંતિ રાખી હતી જે કાબિલેદાદ છે અને તેથી તેનું નામ પણ નોમિનેટ થયું છે.’ વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડ વતી રમતાં ૪૬૫ રન બનાવ્યા છે, જેમાં પાંચ હાફ સેન્ચુરી સામેલ છે. આ સિવાય તેણે ૭ વિકેટ પણ લીધી છે. લોર્ડ્સ પર રમાયેલી ફાઇનલમાં તેણે ૯૮ બોલમાં યાદગાર ૮૪ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ એવોર્ડ મેળવનારો ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ ‘ન્યૂઝીલેન્ડર ઓફ ધ ઇયર’ની રેસમાં છે. આ સિવાય ન્યૂઝ ટોક ઝેડબીના હોસ્ટ સાઇમન બાર્નેટ, ભૂતપૂર્વ લીગ સ્ટાર મનુ વેતુવેઈ અને ક્રાઇસ્ટચર્ચની મસ્જિદો પર હુમલા બાદ હીરો બનીને ઊભરેલો અબ્દુલ અઝીઝ પણ આ રેસમાં છે.

(5:26 pm IST)