Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ સામે ભારત ઓરેન્જ જર્સીમાં

ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ૩૦મી જૂને રમશે : પ્રેક્ટિસ દરમિયાન વિજય શંકર પણ ઇજાગ્રસ્ત થઇ ગયો

નવી દિલ્હી, તા. ૨૦ : વર્લ્ડકપની કેટલીક મેચો હજુ પણ બાકી રહેલી છે ત્યારે ભારતીય ટીમ હવે બ્લુ રંગના બદલે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી શકે છે. ભારતીય ટીમની આગામી મેચ ૨૨મી જૂનના દિવસે અફઘાનિસ્તાન સામે રમાનાર છે ત્યારબાદ ૨૭મી જૂનના દિવસે વેસ્ટઇન્ડિઝ સામે અને ૩૦મી જૂનના દિવસે ઇંગ્લેન્ડ સામે મેચ રમાશે. સોશિયલ મિડિયા ઉપર પણ આને લઇને ચર્ચા ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાની વૈકલ્પિક જર્સી કયા રંગમાં રહેશે તેની ચર્ચા ચાલી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામેની શનિવારની મેચમાં ઓરેન્જ રંગના જર્સીમાં મેદાનમાં ઉતરી શકે છે. અફઘાનિસ્તાન અને ઇન્ડિયા બંને ટીમો માટે ખેલાડીઓની જર્સી બ્લુ રાખવામાં આવેલી છે. આઈસીસીના નિયમ મુજબ કોઇપણ એવા મેચમાં જેમાં પ્રસારણ ટીવી ઉપર થાય છે તેમાં બંને ટીમો એક જ રંગની જર્સી પહેરીને ઉતરી શકે નહીં. આ નિયમ ફુટબોલના હોમ અને અવે મુકાબલામાં પ્રથમ વખત જર્સીથી પ્રેરિત થઇને બનાવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાની જર્સીના રંગ બ્લુ રહેલા છે. યજમાન ટીમને આવા મામલામાં છુટછાટ મળી છે. કારણ કે, આવા નિયમમાં કોઇપણ યજમાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સીને મંજુરી હોય છે. સાઉથ આફ્રિકાની ટીમ જ્યારે બાંગ્લાદેશ સામે રમી હતી ત્યારે પીળા કલરની જર્સીમાં ટીમ ઉતરી હતી. બીજી બાજુ ભારતીય ટીમને ઇજાગ્રસ્તોની સમસ્યા નડી રહી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરને પણ હવે બુધવારના દિવસે પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ હતી. બુમરાહના યોર્કર બોલ પર શંકરના પગમાં ઇજા થઇ હતી. જો કે આને લઇને ચિંતા દેખાઈ રહી નથી.

(8:42 pm IST)