Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઈંગ્લેન્ડે રનનો પહાડ ખડકયો : વન-ડેમાં અધધધ.... ૪૮૧ રનનો જુમલો બનાવી બનાવ્યો સર્વોચ્ચ રનનો નવો રેકોર્ડ

જોની બેરસ્ટોએ ૧૩૯ અને એલેકસ હેલ્સે ૧૪૭ ફટકાર્યા : કાંગારૂ બોલરો હાંફી ગયા

વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચાયો છે ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો (૧૩૯ રન, ૯૨ બોલ, ૧૫ ચોગ્ગા, ૫ છગ્ગા),અને  એલેકસ હેલ્સ (૧૪૭ રન, ૯૨ બોલ, ૧૬ ચોગ્ગા, ૫ છગ્ગા)ની તોફાની સેન્ચુરી સાથોસાથ જેસન રોય (૮૨ રન, ૬૧ બોલ, ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા) અને કેપ્ટન ઈયોન મોર્ગન (૬૭ રન, ૩૦ બોલ, ૩ ચોગ્ગા અને ૬ છગ્ગા)ની બેજોડ હાફ સેન્ચુરીની મદદથી ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ઘ સીરીઝની ત્રીજી વન-ડેમાં ૬ વિકેટે ૪૮૧ રનનો જંગી સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે

ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન વિરૂદ્ઘ ૩૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ બનાવેલા પોતાના જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તે મેચમાં ઈંગ્લેન્ડે ૩ વિકેટે ૪૪૪ રન બનાવ્યા હતા.અગાઉ નોટિંઘમના મેદાન પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લિશ ટીમના ઓપનર જેસન રોય અને બેરસ્ટોએ તોફાની શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે ૧૫૯ રન બનાવી દીધા. ઈંગ્લેન્ડે શરૂઆતથી ઝડપી રમત દેખાડી હતી અને ૧૩.૧ ઓવરમાં ૧૦૦ તથા ૧૮.૩ ઓવરમાં ૧૫૦ રન ફટકારી દીધા હતા.૧૫૯ રનના સ્કોરે જેસન રોયના રનઆઉટ થયા બાદ એલેકસ હેલ્સે ક્રિઝ પર આવતાની સાથે તોફાની બેટિંગ શરૂ કરી હતી અને બેરસ્ટો સાથે બીજી વિકેટ માટે ૧૫૧ રનની ભાગીદારી કરી હતી

આ દરમિયાન બેરસ્ટોએ પોતાની સદી પૂરી હતી. ૩૧૦ રનના સ્કોરે ટીમની બીજી વિકેટ બેરસ્ટોના રૂપમાં પડી હતી. બાદમાં બટલર (૧૧)પણ જલદી આઉટ થઈ ગયો હતો. રનરેટ ૮ રન પ્રતિ ઓવરથી ઉપર હતો જેને ધ્યાનમાં રાખી કેપ્ટન મોર્ગન પાંચમા ક્રમે બેટિંગમાં ઉતર્યો અને આવતાની સાથે ફટકાબાજી શરૂ કરી દીધી. બીજી બાજુ હેલ્સે પોતાની સેન્ચુરી પૂરી કરી. બંનેએ માત્ર ૫૯ બોલમાં૧૨૪ રનની ભાગીદારી નોંધાવી. અંતિમ ઓવરોમાં બંને ઉપરાછાપરી આઉટ થઈ ગયા પણ ઈંગ્લેન્ડની ટીમે ૬ વિકેટે ૪૮૧ રન બનાવી ઈતિહાસ રચી દીધો.

(3:23 pm IST)