Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વન-ડે ક્રિકેટમાં રચાયો ઈતિહાસ:તોફાની બે સદી સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડે ખડક્યા 481 રન

જૉની બેરસ્ટોએ 92 બોલમાં 139 અને એલેક્સે 147 રન ફટકાર્યા :જેસન રોયે 82 અને લિયોન મોર્ગને પણ 67 રન કર્યા

 

વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચાયો છે ઇંગ્લેન્ડના જૉની બેરસ્ટો (139 રન, 92 બોલ, 15 ચોગ્ગા, 5 છગ્ગા),અને  એલેક્સ હેલ્સ (147 રન, 92 બોલ, 16 ચોગ્ગા, 5 છગ્ગા)ની તોફાની સેન્ચુરી સાથોસાથ જેસન રૉય (82 રન, 61 બોલ, 7 ચોગ્ગા અને 4 છગ્ગા) અને કેપ્ટન ઈયોન મોર્ગન (67 રન, 30 બોલ, 3 ચોગ્ગા અને 6 છગ્ગા)ની બેજોડ હાફ સેન્ચુરીની મદદથી ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની ત્રીજી વન-ડેમાં 6 વિકેટે 481 રનનો જંગી સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે

  ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ 30 ઑગસ્ટ 2016ના રોજ બનાવેલા પોતાના વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તે મેચમાં ઈંગ્લેન્ડે 3 વિકેટે 444 રન બનાવ્યા હતા.અગાઉ નોટિંઘમના મેદાન પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લિશ ટીમના ઓપનર જેસન રૉય અને બેરસ્ટોએ તોફાની શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 159 રન બનાવી દીધા. ઈંગ્લેન્ડે શરૂઆતથી ઝડપી રમત દેખાડી હતી અને 13.1 ઓવરમાં 100 તથા 18.3 ઓવરમાં 150 રન ફટકારી દીધા હતા.159 રનના સ્કોરે જેસન રોયના રનઆઉટ થયા બાદ એલેક્સ હેલ્સે ક્રિઝ પર આવતાની સાથે તોફાની બેટિંગ શરૂ કરી હતી અને બેરસ્ટો સાથે બીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી
  . દરમિયાન બેરસ્ટોએ પોતાની સદી પૂરી હતી. 310 રનના સ્કોરે ટીમની બીજી વિકેટ બેરસ્ટોના રૂપમાં પડી હતી. બાદમાં બટલર (11)પણ જલદી આઉટ થઈ ગયો હતો. રનરેટ 8 રન પ્રતિ ઓવરથી ઉપર હતો જેને ધ્યાનમાં રાખી કેપ્ટન મોર્ગન પાંચમા ક્રમે બેટિંગમાં ઉતર્યો અને આવતાની સાથે ફટકાબાજી શરૂ કરી દીધી. બીજી બાજુ હેલ્સે પોતાની સેન્ચુરી પૂરી કરી. બંનેએ માત્ર 59 બોલમાં124 રનની ભાગીદારી નોંધાવી. અંતિમ ઓવરોમાં બંને ઉપરાછાપરી આઉટ થઈ ગયા પણ ઈંગ્લેન્ડની ટીમે 6 વિકેટે 481 રન બનાવી ઈતિહાસ રચી દીધો.

  પોતાનો રેકોર્ડ તોડ્યો અગાઉ મેન્સ ક્રિકેટમાં એક ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો. તેણે 2016માં 30મી ઓગસ્ટે પાકિસ્તાન સામે નોટિંગમમાં ત્રણ વિકેટે 443 રનનો સ્કોર ખડક્યો હતો. મેચમાં એલેક્સ હેલ્સે 121 બોલમાં 171 અને જોઝ બટલરે 51 બોલમાં 91 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

  જોકે, આટલો મોટો સ્કોર નોંધાવવા છતા ઈંગ્લેન્ડની ટીમ વુમેન્સ ક્રિકેટનો હાઈએસ્ટ વન-ડે સ્કોરનો રેકોર્ડ તોડી શકી. ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે 8 જૂનના રોજ આયર્લેન્ડ સામે ચાર વિકેટે 490 રનનો સ્કોર બનાવ્યો હતો જે મેન્સ-વિમેન્સ ક્રિકેટનો સૌથી ઉચ્ચત્તમ સ્કોર છે.

(12:22 am IST)