Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હાર્દિક - રાહુલને બીસીસીઆઈની સજા : ૧૦ શહીદોની પત્નિઓને આપવા પડશે ૧-૧ લાખ રૂપિયા : કુલ ૨૦ લાખનો દંડ

કરણ જોહરના ટીવી શોમાં મહિલાઓ માટે કરી હતી વાંધાજનક કોમેન્ટ્સ : અંધ ક્રિકેટરોના વિકાસ માટે બ્લાઈન્ડ ક્રિકેટ એસોસીએશનના ફંડમાં પણ ૧૦ લાખ જમા કરાવવા આદેશ

નવી દિલ્હી : મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈના લોકપાલ ડી.કે. જૈને આ બંને ખેલાડીઓને મૃત્યુ પામનાર ૧૦ શહીદ જવાનોના પત્નિઓને ૧-૧ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે જયારે બ્લાઈન્ડ ક્રિકેટ એસોસીએશનમાં પણ ૧૦ લાખ રૂા. જમા કરાવવાનો આદેશ થયો છે.

કરણ જોહરના 'કોફી વીથ કરણ' શોમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સંખ્યાબંધ મહિલાઓ સંબંધ હોવાનો દાવો કર્યો હતો ત્યારબાદ દેશભરમાં આ ક્રિકેટરોની ભારે ટીકા થઈ હતી અને વિવાદનો વંટોળ સર્જાયો હતો. સોશ્યલ મીડિયામાં પણ આ બંને ક્રિકેટરોની આકરી ટીકા થઈ હતી. આ વિવાદાસ્પદ નિવેદન બાદ બંને ક્રિકેટરોને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાંથી પણ પડતા મૂકવામાં આવ્યા હતા અને આ બંને ક્રિકેટરોએ સ્વદેશ પરત ફરવુ પડ્યુ હતું.

હાર્દિક અને રાહુલને બીસીસીઆઈએ ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ આ બંને ક્રિકેટરોએ ૪ સપ્તાહમાં જમા કરાવવાની રહેશે. જેમાં શહીદ ૧૦ જવાનોની પત્નિઓને ૧-૧ લાખ અને બ્લાઈન્ડો ક્રિકેટ એસોસીએશનના ફંડમાં ૧૦ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

લોકપાલે જણાવ્યું કે દેશમાં ક્રિકેટર્સ રોલમોડલ છે. તેમણે એવું કામ કરવું જોઈએ જે તેમના સ્તરનું હોય. આ બંને ખેલાડીઓએ માફી માંગી લીધી હતી અને તેમની વિરૂદ્ધ કાર્યવાહીનો વિરોધ કર્યો ન હતો. સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા બાદ હાર્દિકે પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, હું શો દરમિયાન નેચરમાં ખોવાઈ ગયો હતો તેણે ટ્વીટ કરીને એમ કહ્યું હતું કે મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાની ન હતી. મારા નિવેદનથી જે લોકોની ભાવનાને ઠેંસ પહોંચી છે એ તમામની હું માફી માંગવા માંગુ છું.

(3:36 pm IST)