Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વર્લ્ડ નંબરનો ખિતાબ ગુમાવ્યો શ્રીકાંતે

નવી દિલ્હી: ભારતના કિદામ્બી શ્રીકાંતે માત્ર એક જ સપ્તાહમાં મેન્સ સિંગલ્સના વર્લ્ડ નંબર વન ખેલાડી તરીકેનો તાજ ગુમાવી દીધો છે. બેડમિંટન વર્લ્ડ  ફેડરેશને જાહેર કરેલા નવા રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતને ચોથો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે વિમેન્સ સિંગલ્સમા ભારતની પી.વી. સિંધુએ ત્રીજું સ્થાન ટકાવી રાખવામાં સફળતા મેળવી હતી. કોમનવેલ્થ ગેમ્સ વિમેન્સ સિંગલ્સમાં સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતનારી સાયના નેહવાલને વિમેન્સ સિંગલ્સમાં ૧૨મો ક્રમ આપવામાં આવ્યો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન જ ભારતના કિદામ્બી શ્રીકાંતને વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મળ્યું હતુ. આ સાથે બેડમિંટનમાં રેન્કિંગની શરૃઆત થઈ તે પછી ભારતનો કોઈ ખેલાડી મેન્સ સિંગલ્સમાં પહેલી વખત નંબર વન બન્યો હતો. અગાઉ ભારતની સાયના નેહવાલે એપ્રિલ, ૨૦૧૫માં રેન્કિંગમાં સૌપ્રથમ નંબર વન બનવાની સિદ્ધિ મેળવી હતી. જે પછી શ્રીકાંતને આ સફળતા મળી હતી. બેડમિંટનના વર્લ્ડ ફેડરેશનના નિયમાનુસાર ખેલાડીએ છેલ્લા ૫૨ સપ્તાહમાં રમેલી શ્રેષ્ઠ ૧૦ ટુર્નામેન્ટ ધ્યાનમાં લેવાતી હોય છે. જેના કારણે શ્રીકાંતને ટોચનું સ્થાન ગુમાવવું પડયું હતુ. ભારતનો બી.સાઈ પ્રણિત પણ ચોથા સ્થાનેથી ફસડાઈને છેક ૧૯મા ક્રમે ફેંકાયો હતો. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સના પર્ફોમન્સને બેડમિંટનના રેન્કિંગ પોઈન્ટ્સ માટે ધ્યાનમાં લેવાતું નથી. દરમિયાનમાં ભારતના એચએસ પ્રનોયે એક સ્થાનના સુધારા સાથે ફરી ટોપ-૧૦માં સ્થાન મેળવી લીધું છે. તે અગાઉ ૧૧માં ક્રમે હતો.

(5:57 pm IST)