Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સ્ટ્રાન્ડ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ખેલાડીઓએ બે ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હી: બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી સ્ટ્રાન્ડ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતને મહિલાઓની કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન નિખાત ઝરીન અને મીના કુમારી દેવીએ ફાઈનલમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા બોક્સરોએ બે ગોલ્ડ ઉપરાંત એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. નિખાત ઝરીને ૫૧ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ફિલિપ્પીનો આઇરીશ માગ્નોને ૫-૦થી પછડાટ આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મીના કુમારી દેવીએ ૫૧ કિગ્રાની કેટેગરીમાં ઐરા વિલેગસને ભારે રોમાંચક મુકાબલામાં ૩-૨થી હરાવી હતી. ભારતની બંને બોક્સર ફિલિપાઈન્સની હરિફોને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી હતી.જોકે ૪૮ કિગ્રા વજન વર્ગમાં ભારતની મંજુ રાનીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેને ફિલિપાઈન્સની જોસીઈ ગેબુકોએ ૨-૩થી હરાવી હતી. ભારતની મહિલા બોક્સરોએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અગાઉ ભારતની પ્વીલાઓ બાસુમતીએ ૬૪ કિગ્રા, નીરજે ૬૦ કિગ્રામાં અને લોવ્લીનાએ ૬૯ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

(6:40 pm IST)