Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વનડે રેંકિંગ : કોહલી અને બુમરાહ નંબર એક ઉપર

વિરાટ કોહલી ૯૦૯ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને : ડિવિલિયર્સ ૮૪૪ પોઇન્ટ સાથે બીજા સ્થાન ઉપર રહ્યો

નવીદિલ્હી,તા. ૨૦ : વનડે સિરિઝમાં દક્ષિણ આફ્રિકાને ૫-૧થી હાર આપી દીધા બાદ ભારતીય ટીમના ખેલાડીઓને આઈસીસીની વનડે રેંકિંગમાં ફાયદો થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સર્વોપરિતા હાસલ કરી છે.

કોહલી રેકિંગમાં ફરીવાર નંબર એક બેટ્સમેન બની ગયો છે. બીજી બાજુ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ નંબર એક બોલર બન્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં કોહલીએ છ મેચોમાં ૧૮૬ રનની સરેરાશ સાથે ૫૫૮ રન કર્યા છે જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોહલીએ ૭૫, ૪૬ અને ૩૬ રનની ઇનિંગ્સ રમી છે. આ કોઇપણ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં કોઇપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધારે રન છે. કોહલીના હાલમાં ૯૦૯ પોઇન્ટ છે જે કોઇપણ ભારતીય બેટ્સમેન દ્વારા હાસલ કરવામાં આવેલા સૌથી વધારે પોઇન્ટ છે. જસપ્રિત બુમરાહ પણ પ્રથમ સ્થાને પહોંચ્યો છે. તેના ૭૮૭ પોઇન્ટ છે. તેની સાથે અફઘાનિસ્તાનનો રશીદ ખાન છે. વનડેમાં આ ઉપરાંત યુજવેન્દ્ર ચહેલ પણ ઉભરીને આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણીમાં ૧૬ વિકેટ લઇને તે ટોપ ૧૦ બોલરોમાં પહોંચી ગયો છે. યાદવે સીરીઝમાં ૧૭ વિકેટ લીધી છે. ભારતની શ્રેણી જીતથી વનડે રેંકિંગમાં ફાયદો થયો છે. ટમ ઇન્ડિયા ટેસ્ટમાં પણ હવે પ્રથમ સ્થાન ઉપર છે. ટી-૨૦ ઇન્ટરનેશનલમાં તે ત્રીજા સ્થાને છે. એબી ડિવિલિયર્સ વનડેમાં બીજા સ્થાને રહ્યો છે. તેના ૮૪૪ પોઇન્ટ છે. ડેવિડ વોર્નર ૮૨૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. અન્ય ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા છઠ્ઠા અને શિખર ધવન ૧૦માં સ્થાન ઉપર છે. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટમાં સૌથી ધરખમ ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે.

(7:26 pm IST)