Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ટેસ્ટ ટીમમાં ભારતના ૩ ખેલાડીનો સમાવેશ કરાયો

આઈસીસીએ ૨૦૨૧ની બેસ્ટ ઈલેવન જાહેર કરી : વિરાટ કોહલીને સ્થાન ન મળ્યું, કેન વિલિયમ્સન સુકાની, રોહિત શર્મા, પંત અને અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું

નવી દિલ્હી, તા.૨૦ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૧ના બેસ્ટ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આઈસીસીની આ ટીમમાં ૩ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા, વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સ્પિનર તરીકે રવિચંદ્રન અશ્વિન પસંદગી પામ્યા છે. આ ટીમમાં વિરાટ કોહલીને સ્થાન નથી મળ્યું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની કેપ્ટન તરીકે પસંદગી થઈ છે.

વર્ષ ૨૦૨૧ની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને માત આપી હતી. તે કીવી ટીમની કમાન કેન વિલિયમસનના હાથોમાં જ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માએ ભારતીય ટીમને સારી શરૃઆત અપાવી જેના કારણે આ ટીમમાં રોહિતની બેટ્સમેન તરીકે પસંદગી થઈ છે.

આઈસીસીની આ ટીમમાં ૩ ભારતીય, ૩ પાકિસ્તાની, ૨ ન્યૂઝીલેન્ડ, ૧ ઓસ્ટ્રેલિયન, ૧ ઈંગ્લિશ અને ૧ શ્રીલંકન ખેલાડીનો સમાવેશ થાય છે. આ ટીમમાં ઓપનિંગ માટે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૃણારત્ને અને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઈસ કેપ્ટન રોહિત શર્માની પસંદગી થઈ છે. 

(7:22 pm IST)