Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

આઈસીસી અન્ડર -19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની વિજયી શરૂઆત : પ્રથમ મેચમાં જ શ્રીલંકાને 90 રનથી હરાવ્યું

ઓપનર યશસ્વીએ 59 રન,કેપ્ટ્ન પ્રિયમે 56 અને વિકેટકીપર ઘ્રુવ જુરેલે 52 રન ફટકાર્યા

ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતે આઈસીસી અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (૫૯), કેપ્ટન પ્રિયમ ગર્ગ (૫૬) અને વિકેટકીપર ધ્રુવ જુરેલ (અણનમ ૫૨) ની અડધી સદીની ઇનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે શ્રીલંકાને ૯૦ રનની હરાવી દીધું હતું. ભારતે ઓલરાઉન્ડર રમતનો શાનદાર નમુનો દેખાડતા પ્રથમ બેટિંગ આમંત્રણ મળવા પર ચાર વિકેટે ૨૯૭ રન બનાવ્યા બાદ શ્રીલંકાની ઇનિંગને ૪૫.૨ ઓવરમાં ૨૦૭ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સ્પિન બોલરો સિદ્ધેશ વીર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.

ભારત માટે પ્રિયમ ગર્ગે ૭૨ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૫૬ રન બનાવ્યા જ્યારે જયસ્વાલે ૭૪ બોલની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જુરેલ થોડા આક્રમક રહ્યા જેમને ૪૮ બોલની અણનમ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. મેન ઓફ ધ મેચ સિદ્ધેશે પણ આક્રમક બેટિંગ કરી ટીમના સ્કોરને ૨૯૭ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમને ૨૭ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૪ રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા અન્ડર-૧૯ તરફથી અશિયાન ડેનિયલ, ક્વિંદુ નધીશન, દિલશાન મધુશાંકા અને અમ્શી ડી સિલ્વાએ એક-એક વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા માટે કેપ્ટન નિપુન ધનંજય પરેરાએ ૫૦ અને રવિન્દુ રસાંથાએ ૪૯ રન બનાવ્યા હતા. શ્રીલંકન ટીમ એક સમયે યોગ્ય સ્થિતિમાં હતી અને તેમનો સ્કોર ૧૦૬ રન પર ૧ વિકેટ હતો. પાર્ટટાઈમ બોલર યશસ્વી જયસ્વાલે રવિન્દુ રસાંથાને આઉટ કરી ભારતેન સફળતા અપાવી. ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં અને શ્રીલંકાના હાથથી મેચ નીકળી ગઈ હતી.

ભારત તરફથી ડાબા હાથના ઝડપી બોલર આકાશ સિંહે ૯ ઓવરમાં ૨૯ રન આપી અને ૨ વિકેટ લીધી હતી. તેમના સિવાય સિદ્ધેશ વીર અને રવિ બિશ્નોઈએ પણ ૨-૨ વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગી અને સુશાંત મિશ્રાને એક-એક સફળતા મળી હતી.

(1:18 pm IST)