Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઓસ્ટ્રેલિયા ટીમ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરવા સજ્જ : રોહિત

૨૧મી નવેમ્બરે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે : ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરવાથી મનોબળ વધે છે અને વિશ્વકપ પૂર્વે જીતથી આત્મવિશ્વાસ વધશે : રોહિત

બ્રિસ્બેન, તા. ૧૯ :ભારતીય વાઇસકેપ્ટન રોહિત શર્માએ કહ્યું ચે કે, ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાની હાઈટનો ફાયદો થશે પરંતુ તેમની ટીમ આ વખતે ક્રિકેટની આ શ્રેણીમાં નવી પરિભાષા માટે તૈયાર છે. ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ટી-૨૦ મેચથી કરશે. રોહિત શર્માએ કહ્યું હતું કે,  ઝપડી વિકેટ પર રમવું સરળ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે,  ભારતે હમેશા પર્થ અને બ્રિસ્બેનમાં મેચો રમી છે અને આ  બંને મેદાનો પર પરિસ્થિતિ પડકારરુપ રહે છે તેમજ ઓસ્ટ્રેલિયાના બોલરો આ પરિસ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવે છે. રોહિત શર્માએ કહ્યું હતું કે, આ વખતે ખુબ જ સારુ પ્રદર્શન કરીને સીરીઝ જીતવા માટે ઇચ્છુક છે.

ઓસ્ટ્રેલિયામાં સારા દેખાવથી મનોબળ વધે છે અને વિશ્વકપ પહેલા જીતવાથી અમારો આત્મવિશ્વાસ ખુબ વધી જશે. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તમામ ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું ખુબ જ મુશ્કેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણે મેચોની ટ્વેન્ટી સીરીઝ બાદ ભારત ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમનાર છે. ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. ત્રણ શ્રેણી ડ્રોમાં પરિણમી અને આઠમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૬ વનડે મેચોમાં ૫૭.૫૦ની સરેરાશ સાથે ૮૦૫ રન બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાઈ પીચોમાં ઉછાળ અને ગતિના કારણે તેને મદદ મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વેસ્ટઇન્ડિઝ સામે વનડે અને ટ્વેન્ટી સિરિઝ જીત બાદ ભારતના તમામ ખેલાડીઓનો જુસ્સો આસમાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમને લડત આપવા માટે સંપૂર્ણ ભારતીય ટીમ તૈયાર છે.

 

(7:56 pm IST)