Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

17 વર્ષ પછી શ્રીલંકાને તેની ધરતી પર ઇંગ્લેન્ડે આપી ટેસ્ટ સિરીઝમાં માત

નવી દિલ્હી: જેક લીચની પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે શ્રીલંકાને ૫૭ રને પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવતાં શ્રેણી પોતાના નામે કરી હતી. સાઉથ આફ્રિકામાં ૨૦૧૫-૧૬માં જીત બાદ વિદેશી ધરતી પર ઇંગ્લેન્ડની આ પ્રથમ જીત હતી જ્યારે ઇંગ્લેન્ડે શ્રીલંકાને વર્ષ ૨૦૦૧ બાદ પ્રથમ વખત તેના હોમ ગ્રાઉન્ડ પર પરાજય આપ્યો હતો. આ ઉપરાંત એશિયાની ધરતી પર વર્ષ ૨૦૧૨ બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ વિજય હતો. ૨૦૧૨માં ઇંગ્લેન્ડે ભારતને તેની જ ધરતી પર હાર આપી હતી.ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૨૯૦ રન બનાવ્યા હતા જેની સામે શ્રીલંકાએ ૩૩૬ રન બનાવી ૪૬ રનની સરસાઈ મેળવી હતી. ઇંગ્લેન્ડે બીજા દાવમાં ૩૪૬ રન બનાવ્યા હતા. પ્રથમ દાવની ૪૬ રનની લીડ બાદ થતાં શ્રીલંકાને જીત માટે ૩૦૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાએ મેચના ચોથા દિવસે ૨૨૬ રનના સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદને કારણે તે પછી ચોથા દિવસની રમત પૂર્ણ જાહેર કરાઈ હતી. અંતિમ દિવસે શ્રીલંકાને જીત માટે ૭૫ રનની જરૂર હતી અને તેની ત્રણ વિકેટ બાકી હતી પરંતુ પાંચમા દિવસે શ્રીલંકાની ટીમ વધુ ૧૭ રન ઉમેરી ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં જેક લીચે પાંચ, મોઇનઅલીએ ચાર અને આદિલ રશીદે એક વિકેટ ઝડપી હતીઆ મેચમાં ઇંગ્લેન્ડના સ્પિનરોએ ૧૯ વિકેટ ઝડપી હતી જ્યારે ઝડપી બોલરોને એકેય વિકેટ મળી નહોતી. એવું ત્રીજી વખત બન્યું હતું કે, ઇંગ્લેન્ડે ઝડપી બોલરોના યોગદાન વિના ટેસ્ટ મેચ જીતી હોય. આ પહેલાં ૧૯૫૬માં ઓલ્ડ ટ્રેફડ ખાતેની એશિઝની ટેસ્ટમાં બન્યું હતું જેમાં જિમ લેકરે ૧૯ વિકેટ ઝડપી હતી. તેના પહેલાં ૧૯૫૧-૫૨માં કાનપુર ખાતે ઇંગ્લેન્ડને સ્પિનરોએ જીત અપાવી હતી. ૩૮ વિકેટ આ મેચમાં સ્પિનરોએ ઝડપી હતી જે ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનરોનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલાં નાગપુર ખાતે ૧૯૬૯માં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ૩૮ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી.

 

(5:53 pm IST)