Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુપર ઓવરઃ ફર્ગ્યુસને હૈદ્રાબાદને પછાડ્યુ

સીઝનના પ્રથમ મેચમાં ત્રણ વિકેટ લઈ તરખાટ મચાવ્યો : કોલકત્તાની પાંચમી જીત

અબુધાબી : આઈપીએલની ૧૩મી સીઝનની ગઈકાલે શારજાહમાં રમાયેલી આ સીઝનની ૩૫મી મેચ કલકત્તા નાઈટ રાઈડર્સે સુપર ઓવરમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને પરાસ્ત કર્યુ હતું. કલકત્તાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા અને હૈદ્રાબાદે પણ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૩ રન બનાવતા મેચ ટાઈ થઈ હતી.

સીઝનની ત્રીજી ટાઈ

ગઈકાલે સુપર સન્ડેએ સીઝનમાં ત્રીજી વખત ટાઈ જોવા મળી હતી.

ટાઈ બાદ પ્રથમ બેટીંગ કરતા હૈદ્રાબાદ ફરી લોકી ફર્ગ્યુસન સામે ઝૂકી ગયુ હતુંે મેચમાં ચાર ઓવરમાં માત્ર ૧૫ રન આપીને ૩ વિકેટ સાથે તરખાટ મચાવ્યા બાદ સુપર ઓવરમાં પહેલા જ બોલમાં વોર્નરને કલીન બોલ્ડ કર્યા બાદ નવા બેટ્સમેન અબ્દુલ સમદે બીજા બોલમાં બે રન લીધા હતા પણ ત્રીજા બોલમાં ફર્ગ્યુસને તેને બોલ્ડ કરતા કલકત્તાને જીતવા માટે ફકત ૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. મોર્ગન અને કાર્તિકની જોડીએ ચોથા બોલમાં ટીમને જીત અપાવી હતી.

કલકત્તા પહેલી વાર જીત્યુ સુપર ઓવરમાં

કલકત્તાનું સુપર ઓવરમાં હારવાનું કલંક આખરે દૂર થયુ હતું. કલકત્તા આ પહેલા ત્રણ વાર સુપર ઓવર રમ્યુ હતુ અને ત્રણેય વાર હાર્યુ હતું. આખરે નવા કેપ્ટનના આગમન સાથે કલકત્તા સુપરજીત મેળવવામાં સફળ થયુ હતું.

૫૦૦૦ રન, વિરાટનો રેકોર્ડ તોડ્યો વોર્નરે

ગઈકાલે અણનમ ૪૭ રન સાથે ડેવિડ વોર્નરે આઈપીએલમાં ૫૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા બાદ ચોથો ખેલાડી અને પ્રથમ વિદેશી પ્લેયર બન્યો હતો. આ ઉપરાંત સૌથી ઝડપી ૫૦૦૦ રનનો વિરાટનો રેકોર્ડ પણ તેણે તોડ્યો હતો. વિરાટની ૧૫૭ ઈનીંગ્સ સામે વોર્નરે ફકત ૧૩૫ ઈનિંગ્સમાં ૫૦૦૦ રન પૂરા કર્યા હતા.

(2:47 pm IST)