Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રોહિતની સદી (૧૦૮), રહાણે ૭૪ રને દાવમાં

રાંચી ટેસ્ટ દિવસ-૧ : ભારતે ટોસ જીતી દાવ લીધો ૨૦૫/૩ : મયંક, પૂજારા, વિરાટ ફેઈલ : રોહિત - અજીન્કીયાએ બાજી સંભાળી : શહબાઝ નદીમ ટીમમાં

રાંચી : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી શરૂ થયેલ ત્રીજા ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી દાવ લેતા પ્રારંભિક ધબડકા બાદ રોહિત અને અજિન્કીયાએ બાજી સંભાળી લીધી છે. રોહિતે શાનદાર સદી ફટકારી છે તો રહાણે સદીની નજીક પહોંચી રહ્યો છે. આજના મેચમાં ભારતીય ટીમમાં ઝડપી બોલર ઈશાંત શર્માની જગ્યાએ નવોદીત લેફટી સ્પીનર શહબાઝ નદીમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લખાય છે ત્યારે ભારતે ૫૨ ઓવરમાં ૩ વિકેટે ૨૦૫ રન બનાવી લીધા છે અને રોહિત ૧૦૮ અને રહાણે ૭૪ રને દાવમાં છે.

આ અગાઉ ટીમ ઈન્ડિયાએ આજે સવારે ટોસ જીતી દાવ લેતા ધડાધડ બે વિકેટો પડી ગઈ હતી. ઓપનર મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગા થઈ ગયા હતા. બીજા ટેસ્ટમાં શાનદાર ડબલ સેન્ચુરી ફટકારનાર કેપ્ટન કોહલી પણ માત્ર ૧૨ રનમાં આઉટ થઈ ગયો હતો.

ત્યારબાદ ઓપનર રોહિત શર્મા અને અજીન્કીયા રહાણેએ જોડી બનાવી હતી. સાઉથ આફ્રિકાના બોલરો રબાડાએ ૨ અને નોર્તજેએ ૧ વિકેટ ઝડપી છે.

ટીમ ઈન્ડિયાએ ત્રીજા ટેસ્ટમાં એક ફેરફાર કર્યો છે. ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને નવોદીત લેફટી સ્પીનર શહબાઝ નદીમનો સમાવેશ કર્યો છે. આમ આ ટેસ્ટમાં બે ફાસ્ટ બોલરો અને ત્રણ સ્પેશ્યાલીસ્ટ સ્પીનરો સાથે મેદાનમાં ઉતરી છે.

આ લખાય છે ત્યારે ટીમ ઈન્ડિયાએ પર ઓવરમાં ૩ વિકેટે ૨૦૫ રન બનાવ્યા છે. રોહિત શર્મા ૧૦૮ અને અજીન્કીયા રહાણે ૭૪ રને દાવમાં છે. બેડલાઈટના કારણે આજની રમત બંધ કરી દેવામાં આવી છે.

ભારતીય ટીમ આ મુજબ છે. અગ્રવાલ, રોહિત, પૂજારા, વિરાટ, રહાણે, જાડેજા, સહા, અશ્વિન, શમી, ઉમેશ અને નદીમ.

(4:07 pm IST)