Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ઓક્ટોમ્બરે ભારતની ટક્કર પાકિસ્તાન સામે

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં કંગાળ દેખાવ બાદ ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઈટલ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. છ દેશોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો તેના પરંપરાગત હરિફ પાકિસ્તાન સામે તારીખ ૨૦મી ઓક્ટોબરના રોજ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા ક્રમે છે અને ભારતીય મેન્સ હોકી ટીમ એશિયાની નંબર વન ટીમ છે. ઓમાનના મસ્કતમાં તારીખ ૨૮મી ઓક્ટોબર સુધી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે. જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે દાવેદાર ગણાતી હતી. જોકે ભારતને સેમિ ફાઈનલમાં મલેશિયા સામે આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો.આ પછી ભારતે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતને એશિયન ગેમ્સમાં આંચકાજનક હાર મળી હતી, જે પછી આ ટુર્નામેન્ટમાં ભારતે ટાઈટલ જાળવી રાખવા માટે કમર કસી છે. ભારત માટે દરેક મેચ ખરાખરીની છે. ટુર્નામેન્ટમાં મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને સાઉથ કોરિયા જેવી ટીમો પણ સામેલ છે. 

(6:00 pm IST)