Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

એશિયન ગેમ્સ : પુનિયાએ ભારતને અપાવેલો સુવર્ણ

જાપાનના દાયચી પર ૧૧-૮થી જીત મેળવી : ભારતીય સ્ટાર રેસલરની સિદ્ધિથી ખુશીનું મોજુ ફેલાયું

જાકાર્તા, તા.૧૯ : સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ આજે ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. પુરુષોની ૬૫ કિલોગ્રામ સ્પર્ધાની ફાઈનલમાં જાપાનના દાયચીને ૧૧-૮થી હરાવીને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. બજરંગે એશિયન ગેમ્સ ૨૦૧૪માં રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. તે પહેલા ૧૦ મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વ ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઈનલમાં આ ભારતીય જોડીઓ ૪૨૯.૯નો સ્કોર બનાવ્યો. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ચીની તાઈપેની જોડીએ ૪૯૪.૧ પોઈન્ટ મેળવીને પ્રાપ્ત કર્યો છે. એલિમેશને પહોંચેલા ઈન્ડોનેશિયાએ શાનદાર રમત દાખવતાં ૪૯૫.૫ પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો હતો. ભારતનો અનુભવી પહેલવાન અને બે વખત ઓલ્મ્પિક મેડલિસ્ટ સુશિલ કુમાર પુરૂષોની ૭૪ કિલોગ્રામ સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં હારી ગયો હતો. આ મહત્વના મુકાબલામાં સુશીલને બહરીનના એડમ બાતિરોવએ ૫-૩થી હાર આપી હતી. સ્વિમિંગમાં મહિલાવર્ગમાં ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૦૦ મીટર બેકસ્ટ્રોક અને ૪-૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ રિલે, જ્યારે પુરુષવર્ગમાં ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ, ૧૦૦ મીટર બેકસ્ટ્રોક, ૨૦૦ મીટર બટરફ્લાયની મેડલ સ્પર્ધા યોજાશે. તાઈક્વાંડોમાં મેન્સ-વુમન્સ ઈડિવિડ્યુઅલ પુમસે અને આ જ વર્ગની ટીમ ઈવેન્ટ્સની ફાઈનલ થશે. જ્યારે વુશુમાં ચાંગક્વાન વર્ગમાં મેડલ સ્પર્ધા થશે. સુશીલના નામે એશિયાડમાં ફક્ત એક મેડલ છે. સુશીલે ૨૦૦૬ દોહા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઉપરાંત, ૬૫ કિગ્રામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા બજરંગે ૨૦૧૪ ઇંચિયોન એશિયાઈ રમતોમાં સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. આ વખતે તેઓ પોતાના મેડલનો રંગ બદલવા ઈચ્છશે. ૫૭ કિગ્રામાં સંદીપ તોમર, ૮૬ કિગ્રામાં પવનકુમાર અને ૯૭ કિગ્રા ભાર વર્ગમાં સત્યવ્રત કાદયાન પણ પોતાનું નસીબ અજમાવશે.

(10:07 pm IST)