Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ફેડરરે ૩ સેટના સંઘર્ષ બાદ વાવરિન્કાને હરાવ્યો!: સેમિ ફાઈનલ્સ : ફેડરર v/s ગોફિન, યોકોવિચ v/s સિલીચ રમાશે.

વરસાદના વિધ્ન બાદ શરૂ થયેલી સિનસિનાટી માસ્ટર્સમાં ખેલાડીઓને એક જ દિવસમાં બે મેચો રમવી પડી હતી. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે રાઉન્ડ ઓફ ૧૬માં આર્જેન્ટીનાના માયેરને ૬-૧, ૭-૬ (૮-૬)થી હરાવ્યો હતો, જે પછી રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં તેણે તેના જ દેશના વાવરિન્કા સામે ૬-૭ (૨-૭), ૭-૬ (૮-૬), ૬-૨થી સંઘર્ષમય વિજય મેળવ્યો હતો.

હવે સેમિ ફાઈનલમાં ૩૭ વર્ષીય ખેલાડીનો મુકાબલો બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે થશે. ગોફિને આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામે ૭-૬ (૭-૫), ૭-૬ (૭-૪)થી વિજય મેળવ્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને પણ ફેડરરની જેમ એક જ દિવસમાં બે મેચો રમવી પડી હતી, તે પણ બંને મેચો જીત્યો હતો. યોકોવિચે બુલ્ગારિયાના ડિમિટ્રોવ સામેની રાઉન્ડ ઓફ ૧૬ની અધુરી મેચને ૨-૬, ૬-૩, ૬-૪થી વિજય સાથે પુરી કરી હતી.

જે પછી ક્વાર્ટર ફાઈનલમાં તેણે કેનેડાના રાઓનિકને ૭-૫, ૪-૬, ૬-૩થી પરાસ્ત કર્યો હતો. હવે તેની ટક્કર ક્રોએશિયાના સિલીક સામે થશે, જેણે સ્પેનના કારેનો બુસ્ટાને ૭-૬ (૯-૭), ૬-૪થી હરાવ્યો હતો. પોટ્રોએ રાઉન્ડ ઓફ ૧૬માં ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસને ૭-૬ (૭-૪), ૬-૭ (૬-૮), ૬-૨થી હરાવ્યો હતો. વાવરિન્કાએ પ્રિ-ક્વાર્ટર્સમાં ઈટાલીના ફુસ્કોવિચને ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો. જ્યારે ગોફિને રાઉન્ડ ઓફ ૧૬માં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે ૬-૨, ૬-૪થી વિજય મેળવ્યો હતો.

(12:37 pm IST)