Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સલાહકારપદે કામ કરશે પ્રવાસમાં સાથે જોડાશે

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડમીના સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી ભારતીય મહિલા ટીમ સાથે સલાહકાર તરીકે કામ કરશે. ભારત માટે ૧૭ ટેસ્ટ અને ૧૮ વનડે રમી ચુકેલા નરેન્દ્ર હિરવાણી કેટલાક પ્રવાસ પર ટીમની સાથે જોડાશે.

ભારતની ટી-૨૦ કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરમાં ટીમ માટે સ્પિન કોચની જરૂરત પર ભાર આપ્યો હતો. ભારતીય ટીમમાં પુનમ યાદવ, એકતા બિષ્ટ અને દીપ્તિ શર્મા જેવા સ્પિનર છે.

બીસીસીઆઈના  અધિકારીએ જણાવ્યું છે કે, 'આ પૂર્ણકાલિક ભૂમિકા નથી કેમકે તે નેશનલ ક્રિકેટ એકેડમીની સાથે વ્યસ્ત છે. તે ટીમ સાથે કેટલાક પ્રવાસે જશે. તાજેતરમાં તેમને એનસીએમાં ટીમની શિબિરમાં પણ કામ કર્યું છે.

ટીમને બેટિંગ કોચની જરૂરત નથી કેમકે ભારતના પૂર્વ બેટ્સમેન ડબ્લ્યુબી રમન ટીમના કોચ છે. ટીમના સુત્રે જણાવ્યું છે કે, 'પુરુષ ટીમની જેમ મહિલા ટીમ માટે પણ સંપૂર્ણ સહયોગી સ્ટાફની જરૂરત છે.'

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ફ્રેબુઆરી માર્ચમાં વર્લ્ડ કપ રમવાનો છે. ભારતે માર્ચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી અને હવે સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે સીરીઝ રમવાની છે.

(1:14 pm IST)