Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભારતને ફટકો : શિખર ધવન વર્લ્ડકપ માટેની કોઇપણ મેચ નહીં રમે

જુલાઈ સુધી અંગૂઠામાં પ્લાસ્ટર રાખવાની ફરજ : બેટ્સમેન શિખર ધવનની જગ્યા પર ઋષભ પંત ટીમમાં સામેલ થશે : ભારતની બાકીની મેચોમાં શિખર ધવન નહીં રમે

નવી દિલ્હી, તા. ૧૯ : વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાના અભિયાનને આજે મોટો ફટકો પડ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ ૨૦૧૯માંથી બહાર થઇ ગયો છે. શિખર ધવનની જગ્યાએ ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી છે. પંત પહેલાથી જ ઇંગ્લેન્ડ પહોંચી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા સાથેની મેચમાં શિખર ધવનને ઇજા થઇ હતી. ત્યારબાદ બે સપ્તાહ સુધી આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ૩૩ વર્ષીય શિખર ધવન ૯મી જૂનના દિવસે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ઘાયલ થઇ ગયો હતો. શરૂઆતમાં ત્રણ મેચ માટે તેને બહાર કરવામાં આવ્યો હતો જેમાં ૧૬મી જૂનની પાકિસ્તાનની મેચ, ૨૨મી જૂનની અફઘાનિસ્તાન સાથેની મેચ અને ૨૭મી જૂનની વેસ્ટઇન્ડિઝ સામેની મેચનો સમાવેશ થાય છે. જો કે, હવે ઇજાના લીધે શિખર ધવન સમગ્ર ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાની સામે મેચમાં પીડા હોવા છતાં ધવને બેટિંગ જારી રાખી હતી. ૩૦મી જૂનના દિવસે ઇંગ્લેન્ડ સામે રમાનારી મોટી મેચ પહેલા તેની વાપસીની કોઇ આશા દેખાઈ રહી નથી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આજે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. બોર્ડે ટ્વિટ કરીને કહ્યું છે કે, ધવનના અંગૂઠા પર પ્લાસ્ટરને જુલાઈ સુધી રાખવામાં આવશે. આવી સ્થિતિમાં તે વર્લ્ડકપમાં આગામી મેચોમાં ભાગ લઇ શકશે નહીં. બોર્ડનું કહેવું છે કે, કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૧ વર્ષીય પંત પહેલાથી  ઇંગ્લેન્ડ પહોંચી ચુક્યો છે પરંતુ હાલમાં અનુભવી દિનેશ કાર્તિક પણ બીજા વિકેટકીપર તરીકે ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત છે. પંતને પોતાના આક્રમક અંદાજના કારણે ઓળખવામાં આવે છે.

(7:44 pm IST)