Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફિફા કપમાં કોલંબિયા ઉપર જાપાનની ૨-૧થી ભવ્ય જીત

ઓસોકો-કગાવા જાપાન માટે છવાયાઃ સ્ટાર ફુટબોલર જેમ્સ રોડ્રીગેજ ગોલ કરવામાં નિષ્ફળ

સરાંસક, તા. ૧૯ : ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં ગ્રુપ એચની એક મેચમાં જાપાને આજે કોલંબિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. આની સાથે જ જાપાને બ્રાઝિલ વર્લ્ડકપમાં મળેલી ૪-૧થી મળેલી હારનો બદલો પણ લઇ લીધો હતો. જાપાન તરફથી પ્રથમ ગોલ કગાવાએ પેનલ્ટી મળ્યા બાદ કર્યો હતો. જ્યારે બીજો ગોલ ૭૩મી મિનિટમાં ઓસોકોએ કર્યો હતો. કોલંબિયા તરફથી એકમાત્ર ગોલ ક્વિન્ટેરોએ કર્યો હતો. જો કે, સ્ટાર ખેલાડી રોડ્રીગેજ કોઇ ગોલ કરી શક્યો ન હતો જેથી ચાહકોમાં નિરાશા રહી હતી. જેમ્સ રોડ્રીગેજને કેટલીક તક મળી હતી પરંતુ તે પણ અસરકારક ફોર્મમાં દેખાયો ન હતો. મેચ જોવા માટે કોલંબિયાના ૧૦ હજારથી પણ વધુ ચાહકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેમનામાં નિરાશા જોવા મળી હતી. એક દિવસ પહેલા નિજની મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની ગ્રુપ એફની એક મેચમાં દક્ષિણ કોરિયા ઉપર સ્વિડને ૧-૦થી જીત મેળવી લીધી હતી. પહેલા હાફમાં કોઇ ગોલ થઇ શક્યા ન હતા જ્યારે બીજા હાફમાં ૬૫મી મિનિટમાં સ્વિડનના કેપ્ટન આંદ્રેસે ગોલ ફટકાર્યો હતો. પેનલ્ટી મળ્યા બાદ આ ગોલ ફટકારવામાં આવ્યો હતો. નિજનીના મેદાન પર રમાયેલી આ મેચમાં બંને ટીમોએ જોરદાર રમત રમી હતી. સ્વિડનની ટક્કર હવે ૨૩મી જૂનના દિવસે જર્મની સાથે થશે. જર્મનીની પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર થઇ હતી.

આ જીત સાથે સ્વિડન પોતાના ગ્રુપમાં મેક્સિકો સાથે ટોપઉપર છે. સ્વિડન સામે જર્મનીને શાનદાર રમત રમવી પડશે. અગાઉ રવિવારના દિવસે ફિફા વર્લ્ડ કપમાં ગઇકાલે રવિવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. પરંતુ પરિણામોને લઇને ફુટબોલ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

(9:44 pm IST)