Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

૧૯૯૮માં ફ્રાંસમાં યોજાયેલ ફૂટબોલ વિશ્વકપ ફિક્સ થયેલો હતોઃ બ્રાઝીલ અને ફ્રાન્સે પોતાના ગ્રુપની ટીમોને આસાનીથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો

પેરિસઃ ફિફા વિશ્વકપ શરૂ થવા આડે થોડા દિવસો બાકી છે ત્‍યારે ખુલાસો થયો છે કે ૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હતો, જે ફ્રાંસમાં યોજાયો હતો. ભૂતપૂર્વ યુઈએફએ અધ્યક્ષ અને ફ્રાંસના ફૂટબોલર રહી ચૂકેલા મિશેલ પ્લાટિનીએ એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, "ફ્રાંસ અને બ્રાઝિલની ટીમોનું મેચ શેડ્યુઅલ અગાઉથી જ નક્કી થઈ ચૂક્યું હતું."

મિશેલે ખુલાસો કર્યો કે બ્રાઝિલને ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે ફ્રાંસને ગ્રૂપ-સીમાં સ્થાન અપાયું હતું, પરંતુ બંને ટીમોની જે હરીફ ટીમો હતી તે નબળી હતી. આથી બ્રાઝિલ અને ફ્રાંસે પોતાના ગ્રૂપની ટીમોને આસાનીથી હરાવી દીધી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. બધાનું એ સપનું હતું કે ફ્રાંસ અને બ્રાઝિલની ટીમ ફાઇનલમાં પહોંચે.

મિશેલ પર હાલ ૧.૩૫ મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ લાગેલો છે. તેના પર આરોપ ૧૯૯૮થી ૨૦૧૫ સુધી ફિફા અધ્યક્ષ રહી ચૂકેલા સેપ બ્લેટરે લગાવ્યો હતો. ત્યાર બાદ મિશેલ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

(6:20 pm IST)