Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની પીવી સિંધુની હાર

નવી દિલ્હી: ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં ભારતની પી.વી. સિંધુને વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી જાપાનની યામાગુચી સામે ૨૧-૧૯, ૧૯-૨૧, ૧૮-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો. ૧૦ લાખ ડોલરની ઈનામી રકમ ધરાવતી બેડમિંટન જગતની એલિટ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ છતાં સિંધુને છેલ્લી પળોમાં કરેલી કેટલીક ભૂલોની મોટી કિંમત ચુકાવવી પડી હતી. જોકે સેમિ ફાઈનલની હાર બાદ સિંધુએ કહ્યું હતુ કે, મને આ ટુર્નામેન્ટમાંથી ઘણું બધુ શીખવા મળ્યું.  હું હજુ વધુ સારી તૈયારી કરીને ઓલ ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાં પાછી ફરીશ. નોંધપાત્ર છે કે, પ્રકાશ પદુકોણે (૧૯૮૦) અને પુલેલા ગોપીચંદ (૨૦૦૧) સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડી બેડમિંટન જગતની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતી શક્યા નથી. છેલ્લે ૨૦૧૫માં ભારતની સાયના નેહવાલ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી હતી. ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી સેમિ ફાઈનલમાં સિંધુ અને યામાગુચી વચ્ચે જબરજસ્ત જંગ જામ્યો હતો. બંને ખેલાડીઓની અત્યંત આક્રમક રમતને કારણે એક કલાક અને ૯ મિનિટના જંગમાં એક તબક્કે જાપાનીઝ ખેલાડી યામાગુચી બેડમિંટન કોર્ટ પર પડી ગઈ હતી. જેના કારણે સિંધુની જીત નક્કી લાગતી હતી. જોકે યામાગુચીએ થોડી સારવાર બાદ ફરી મેચ રમવાનું શરુ કર્યું હતુ અને આખરે જીત મેળવી હતી. હાર બાદ સિંધુએ કહ્યું કે, આજના દિવસે મને ભાગ્યનો સાથ ન મળ્યો. મેં આ મેચમાં મારું ૧૦૦ ટકા પર્ફોમન્સ આપ્યું હતુ. ટુર્નામેન્ટમાં ચડાવ-ઉતાર આવ્યા કરે અને એક ખેલાડી જ જીતે છે. અમારી વચ્ચે ઘણી રેલીસ લાંબી ચાલી અને તેમાં તેણે સારો દેખાવ કર્યો. ત્રણ ગેમની મેચો રમવી આસાન હોતી નથી. અત્યંત થકવી નાંખનારા મુકાબલામાં માત્ર બે કે ત્રણ જ પોઈન્ટ બાજી પલ્ટી નાંખતાં હોય છે. મને આ ટુર્નામેન્ટમાંથી ઘણું બધુ શીખવા મળ્યું. ઓવરઓલ ટુર્નામેન્ટમાં મારા દેખાવથી હું સંતુષ્ટ છું અને હવે હું વધુ સારી તૈયારી સાથે પાછી ફરવા માટે કટિબદ્ધ છું.

(5:59 pm IST)