Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વિરાટ કોહલીની વિકેટ લઈ વાપસીને યાદગાર બનાવશે

વાપસી કરી રહેલા બોલર ટ્રેન્ટ બોલ્ટની ઈચ્છા : છ સપ્તાહ સુધી ટીમની બહાર રહ્યા બાદથી ઝડપી બોલર બોલ્ટ વાપસી કરશે : શુક્રવારથી વેલિંગ્ટનમાં ટેસ્ટ ક્રિકેટ

વેલિંગ્ટન, તા. ૧૯ : ભારતની સામે મર્યાદિત ઓવરની શ્રેણીમાં ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ રમ્યો ન હતો પરંતુ શુક્રવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝિલેન્ડ તરફથી મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ન્યૂઝિલેન્ડના આ ઝડપી બોલરે માહિતી આપતા કહ્યું છે કે ટીમ શ્રેણીને લઈને સજ્જ છે. વન ડે શ્રેણી બાદ ટીમ આશાવાદી દેખાઈ રહી છે બોલ્ટે કહ્યું છે કે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ મેળવવા માટે તે બનતા તમામ પ્રયાસ કરશે. કોહલીની વિકેટ લઈને ક્રિકેટમાં પોતાની વાપસીને રોચક બનાવવા પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાની સામે બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં હાથમાં ફ્રેકચર થયા બાદથી તે ભારત સામેની મેચોમાં રમ્યો ન હતો. હવે રિકવર થયા બાદ તે વાપસી કરવા જઈ રહ્યો છે. છ સપ્તાહ સુધી ટીમની બહાર રહ્યા બાદ હવે ઝડપી બોલર ટેસ્ટ મેચ પહેલા પ્રેકટીસમાં લાગેલો છે. પોતાની પ્રાથમિકતાને સ્પષ્ટ કરી ચુક્યો છે.

       શરૂઆતની ટેસ્ટ મેચમાં તે પોતાની કુશળતા દર્શાવવા માટે તૈયાર છે. ટ્રેન્ટ બોલ્ટે કહ્યું છે કે જ્યારે પણ ભારત સામે રમે છે ત્યારે હંમેશા તે એક અલગ પ્રકારની ખુશી રહે છે. ન્યૂઝિલેન્ડને છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી હાર આપી હતી. ત્યારબાદ ભારતીય ટીમ પણ ન્યૂઝિલેન્ડ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હાલાં પ્રથમ સ્થાન પર છે. ભારતીય ટીમ સામે રમવાની બાબત તેના માટે ખૂબ મુશ્કેલરૂપ રહેશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆત ૨૧મી ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં થઈરહી છે. પહેલા ટ્વેન્ટી શ્રેણી ભારતે ક્લિનસ્વીપ કરીને જીતી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે વન ડે શ્રેણી ક્લિનસ્વીપ કરીને જીતી હતી.

            હવે ટેસ્ટ શ્રેણીમાં કઈ ટીમ બાજી મારશે તેને લઈને ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે. ભારતે ટ્વેન્ટી શ્રેણી ૫-૦થી જીતી હતી. જ્યારે ન્યૂઝિલેન્ડે વન ડે શ્રેણી ૩-૦થી જીતી હતી. હવે આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈરહી છે. વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઐતિહાસિક મેદાન ખાતે અનેક યાદો જોડાયેલી છે. ભારતીય ટીમના અનેક ખેલાડીઓના વ્યક્તિગત રેકોર્ડ પણ આ ટેસ્ટ મેચ મારફતે થનાર છે. ભારતની અંતિમ ઈલેવનની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ ટીમમાં ખૂબ ઓછા ફેરફાર કરવામાં આવે તેમ માનવામાં આવે છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ન્યૂઝિલેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ રોચક બની શકે છે.

(8:03 pm IST)