Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ, ડ્રીમ સિરિઝ : પંત

રિષભ પંત ટીમ ઈન્ડિયાનો વિજયનો કર્ણધાર બન્યો : વિકેટકીપર બેટસમેને ૧૩૮ બોલમાં ૮૯ રનની યાદગાર ઈનિંગ્સ રમી ભારતને ઐતિહાસિક જીતની ભેટ ધરી હતી

બ્રિસબન, તા. ૧૯ : રિષભ પંતના શોટ સિલેક્શન પર હંમેશા સવાલ ઉઠતા રહ્યા હતા. પંતે તેમાં થોડો સુધારો પણ કર્યો. પરંતુ, પોતાની સ્ટાઈલ ન બદલી. બોલ પર એટેક કરવો તેની ખૂબી છે, તેની સ્ટાઈલ છે અને તેની તાકાત છે. પંતે તેને જાળવી રાખી. આ આદતે ભારતને ઈતિહાસ રચવામાં મદદ કરી. પંતે બતાવી દીધું કે, તે આક્રમણ કરવાનું બંધ નહીં કરે. આક્રમણ જે ઓસ્ટ્રેલિયાની ઓળખ છે, તેને તેના જ અંદાજમાં ગાબા સ્ટેડિયમમાં હરાવી ભારતે ઈતિહાસ રચી દીધો. બ્રિસબનમાં ભારત સાત મેચ રમ્યું છે, તેમાં પહેલી વખત જીત મેળવી છે. તો, ઓસ્ટ્રેલિયાને ૩૨ વર્ષમાં પહેલી વખત આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની આ જીતની પટકથા લખવામાં યંગ ઈન્ડિયાના સ્ટાર શુભમન ગિલ અને રિષભ પંતની મહત્વની ભૂમિકા રહી છે.

ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને છેલ્લી ટેસ્ટમાં ૧૩૮ બોલમાં ૮૯ રનની યાદગાર ઈનિંગ્સ રમી ભારતને જીત અપાવનારા પંતે મેચ પછી કહ્યું કે, આ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. મારા માટે ડ્રીમ સીરિઝ છે .પહેલી મેચ ન રમ્યા બાદ અમે ઘણી મહેનત કરી. ટીમ મેનેજમેન્ટ મારો હંમેશા સપોર્ટ કરે છે. મને મેચ વિનર કહેવામાં આવે છે. હું એ સાંભળતો રહું છું. મને ખુશી છે કે, આજે કરી બતાવ્યું. પાંચમા દિવસે બોલ ટર્ન થઈ રહ્યો હતો. મેં શોટ સિલેક્શન પર ધ્યાન આપ્યું. અંતમાં જીતવું જરૂરી હોય છે. જો જીતી ગયા તો બધું બરાબર છે.

પંત જ્યારે ક્રીઝ પર ઉતર્યો ત્યારે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૬૭ રન હતો. કેપ્ટન રહાણે ૨૪ રન બનાવી આઉટ થયો હતો. પણ, ૨૨ બોલમાં. સંકેત સ્પષ્ટ હતો કે જો તક મળે તો જીત માટે પ્રયાસ કરો. ડ્રો બીજો વિકલ્પ છે. ટીમ ઈન્ડિયાની રણનીતિ સકારાત્મક હતી. નજર જીત પર હતી અને જીત માટે આક્રમક થવું જરૂરી હતું. પંતને આવો માહોલ માફક આવે છે. પરંતુ, તેણે આવતાની સાથે જ ફટકા મારવાનું શરૂ ન કર્યું. શરૂમાં સેટ થવામાં સમય લીધો. પહેલો ચોગ્ગો ૧૦મા બોલ પર આવ્યો. તે પણ બેટની કિનારીને વાગીને. તે પછી પણ મોટા શોટ ન જોવા મળ્યા. પુજારા સાથે મળીને ૬૧ રનની ભાગીદારી કરી, પરંતુ તેના માટે ૧૪૧ બોલ રમ્યા. પંતે એ સમયે ૩૪ રન ૮૪ બોલમાં બનાવ્યા હતા. તે પછી ૮૯ રન ૧૩૮ બોલમાં બનાવ્યા. ભારત માટે અહીંથી લક્ષ્ય મોટું ન હતું, પરંતુ ટેસ્ટ ક્રિકેટની દ્રષ્ટિએ પડકારરૂપ જરૂર હતું.

પુજારાને નવા બોલથી પેટ કમિન્સે આઉટ કર્યો. તે પછી ક્રીઝ પર આવ્યો મયંક અગ્રવાલ. અહીંથી પંતે ગિયર બદલવાનું શરૂ કર્યું. ૩૭ રનની ભાગીદારીમાં ૨૪ બોલમાં ૨૩ રન બનાવ્યા. અગ્રવાલ આઉટ થયા બાદ પંત અને વોશિંગ્ટન સુંદરે રંગ બતાવવાનો શરૂ કર્યો. બંનેએ મળીને માત્ર ૫૫ બોલમાં ૫૩ રન જોડ્યા. જેમાં પંતે ૨૬ બોલમાં ૨૩ રન બનાવ્યા, તો સુંદરે ૨૯ બોલમાં ૨૨ રન. હવે જીત નજીક હતી ટીમ ઈન્ડિયા આ તક ગુમાવવા નહોંતી ઈચ્છતી.જોકે, સુંદર અને શાર્દુલ ઠાકુર આઉટ થયા, પરંતુ પંતે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી દીધી.

પંત પહેલી ટેસ્ટમાં નહોંતો રમ્યો. વિકેટકીપર તરીકે તે પહેલી પસંદ ન હતો. મેલબર્નમાં તે ટીમમાં આવ્યો. બેટિંગને મજબૂત કરવા તેને લેવામાં આવ્યો અને તેણે પોતાને સાબિત કરી બતાવ્યો. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ૯૭ રન બનાવી ભારતની જીતની આશા ઊભી કરી હતી. તે પછી અશ્વિન અને હનુમા વિહારીએ મેચ ડ્રો કરાવી હતી.

(7:23 pm IST)