Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

શ્રેણી વિજય પર ભારતીય ટીમ પર શુભેચ્છાનો વરસાદ

રહાણેના નેતૃત્વ હેઠળની ટીમની ચારેબાજુથી પ્રસંશા : ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર બીસીસીઆઈએ ટીમને બોનસમાં ૫ કરોડ રૂપિયા આપવા જાહેરાત કરી

બ્રિસબેન, તા. ૧૯ : ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેન ટેસ્ટ મેચમાં ૩ વિકેટથી હરાવી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સતત બે ટેસ્ટ સીરિઝ હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૨૮ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે પાંચમા દિવસે ૭ વિકેટ ૩૨૯ રન બનાવ્યા. આ રીતે ભારતે સીરિઝ ૨-૧થી પોતાના નામે કરી લીધી. ગાબાના મેદાન પર ચોથી ઈનિંગ્સમાં ૩૨૮ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કરીને ભારતે વેસ્ટ ઈન્ડિઝના ૭૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ૧૯૫૧માં રન ચેઝ કરતા ૨૩૬ રન બનાવીને જીત મેળવી હતી.

ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર ખૂબ શુભકામનાઓ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર ખૂબ ખુશ છીએ. તેમની ઉર્જા અને જૂનુન સમગ્ર રમત દરમિયાન દેખાઈ રહ્યાં હતા. તેમનો દ્રઢ ઈરાદો, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ જોવા મળ્યો. ટીમને શુભકામનાઓ! તમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર બીસીસીઆઈએ સમગ્ર ટીમને બોનસમાં ૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરીજય શાહે ટ્વીટ કરીને કરી હતી. તેમણે લખ્યું હતું, બીસીસીઆઈએ ટીમ બોનસ તરીકે રૂપિયા ૫ કરોડની જાહેરાત કરે છે. આ ભારતીય ક્રિકેટ માટે ખાસ પળો છે. ગાબામાં ભારતીય ટીમ દ્વારા ખૂબ જ અદભૂત રમત દર્શાવવામાં આવી છે.

ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર વિરાટ કોહલીએ પણ ટ્વીટ કર્યું હતું. કોહલીએ ટ્વીટમાં લખ્યું- શું જીત છે! હા. જે લોકો એડિલેડ બાદ અમારા પર શંકા કરી રહ્યા હતા, ઊભા થઈને જુઓ. અનુકરણીય પ્રદર્શન પરંતુ કઠોરતા અને દ્રઢ નિશ્ચય તમામ રીતે અમારા માટે અદભૂત હતા. મેનેજમેન્ટ અને બોય્ઝ ખૂબ જ સરસ. આ ઐતિહાસિક જીતને ઉજવો.

(7:21 pm IST)