Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કોહલી, ઇશાંત વાપસી કરશેઃ અશ્વિન અને બુમરાહની ફિટનેસ ઉપર નજર રખાશે

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે પ્રથમ બે મેચો માટે ટીમ ઇન્ડિયાની ગમે ત્યારે જાહેરાત : શાર્દુલ અને નટરાજન રિઝર્વ બોલર તરીકે રહેશેઃ શાહબાદ નદીમને તક મળી શકે

મુંબઇઃ ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પહેલી ૨ મેચ માટે  ભારતીય ટીમની આજે ગમે ત્યારે જાહેરાત થવાની છે. જેમાં વિરાટ કોહલી  પિતૃત્વ અવકાશમાંથી તો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા  ઇજામાંથી બહાર આવ્યા બાદ ટીમમાં વાપસી માટે કરશે. તો બીજી તરફ જસપ્રીત બુમરાહ (પેટમાં ખેચાવ) અને રવિચંદ્રન અશ્વિન (પીઠમાં દુખાવો) ના કારણે ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસબેનની મેચમાં રમી શક્યા ન હતા.

 મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને હનુમા વિહારી પહેલી બે ટેસ્ટ માટે પસંદગી માટે ઉપ્લબ્ધ નહીં રહે.

 ચેન્નઇમાં રમાનાર સીરિઝની   પહેલી બે ટેસ્ટ મેચ કે જેમાં પહેલી મેચ ૫ થી ૯ ફેબ્રુઆરી અને બીજી મેચ ૧૩ થી ૧૭ ફેબ્રુઆરી માટે ભારતીય ટીમે ૨૭ જાન્યુઆરીથી બાયો બબલમાં રહેવું પડશે. BCCI પહેલી ૨ ટેસ્ટ માટે ૧૬ થી ૧૮ ખેલાડીઓ સહીત કેટલાક નેટ બોલરોની પણ પસંદગી કરી શકે છે.

ઇશાંત શર્મા ઇજામાંથી બહાર આવીને   સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની શરૂઆત કરી દીધી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે ભારતીય ફાસ્ટ બોલીંગની આગેવાની કરશે. જ્યારે શર્દુલ ઠાકુર અને ટી નટરાજન રિઝર્વ ફાસ્ટ બોલર રહેશે.

સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્પિનર શાહબાદ નદીમ જોવા મળી શકે છે. તેણે ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે ૧ ટેસ્ટ મેચ રમી હતી. અશ્વિનની હાજરી અને ઓસ્ટ્રેલિયામાં વોશિંગટન સુંદરનું શાનદાર પ્રદર્શન બાદ કુલદીપ યાદવ ટીમમાં રિઝર્વ સ્પિનર રહેશે.

(2:53 pm IST)