Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ જીતી : નિર્ણાયક વનડેમાં ભારતનો 7 વિકેટે શાનદાર વિજય

રોહિત શર્માએ કરિયરની 29મી વનડે સદી ફટકારી : કેપ્ટન કોહલીએ ઝંઝાવાતી 89 રન કર્યા : સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન ફટકાર્યા: શમીએ ચાર વિકેટ ઝડપી

બેંગલુરૂઃ રોહિત શર્માના શાનદાર 119 રન  અને વિરાટ કોહલીના ઝંઝાવાતી 89 રનની મદદથી ભારતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પરાજય આપીને શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 3 વિકેટે 289 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અંતે શ્રેયસ અય્યર 44 અને મનીષ પાંડે 8 રન બનાવી અણનમ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન ફટકાર્યા હતા. ભારત તરફથી શમીએ 4 વિકેટ ઝડપી હતી.પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભારતે વાપસી કરતા રાજકોટમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. 
               રાહુલ આઉટ થયા બાદ રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમતા પોતાના વનડે કરિયરની 29મી સદી ફટકારી હતી. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે હવે તે ચોથા સ્થાને આવી ગયો છે. તેણે આજે સનથ જયસૂર્યાની 28 વનડે સદીનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઈનિંગ દરમિયાન રોહિતે પોતાના વનડે કરિયરના 9000 રન પણ પૂરા કર્યાં હતા. રોહિતે વનડેમાં વિરાટ કોહલી બાદ સૌથી ઝડપી 9000 રન પૂરા કરનાર બીજો બેટ્સમેન છે. રોહિતે 128 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. આ સાથે તેણે વિરાટ કોહલી સાથે 137 રનની ભાગીદારી કરી હતી.
               ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. કોહલીએ 91 બોલનો સામનો કરતા 8 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. વિરાટે રોહિત સાથે બીજી વિકેટ માટે 137 રન અને શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. આ સાથે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 100મી વખત 50ના આંકડાને પાર કર્યો હતો.
             ભારતીય ટીમની ફીલ્ડિંગ દરમિયાન ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ભારતની બેટિંગ શરૂ થઈ ત્યારે રોહિત શર્માની સાથે કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રાહુલ 27 બોલમાં 2 ચોગ્ગા સાથે 19 રન ફટકારી આઉટ થયો હતો.
              મુંબઈ વનડેમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર આરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર રાજકોટ બાદ બેંગલુરૂમાં પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈનિંગની ચોથી ઓવરમાં મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નર (3)ને વિકેટની પાછળ કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાને 18 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 46 રન હતો ત્યારે કેપ્ટન ફિન્ચ (19) રનઆઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ 50 રન પહેલા જ પોતાના બંન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા.
              46 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ અનુભવી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને ઈનિંગને સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. માર્નસ લાબુશેને પોતાના વનડે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. લાબુશેનને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. લાબુશેને 64 બોલનો સામનો કરતા 5 બાઉન્ડ્રી ફટકારી હતી.
              ફરી એકવખત સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમને સંકટમાંથી ઉગારી હતી. સ્મિથે ભારતની ધરતી પર પહેલી અને વનડે કરિયરની 9મી સદી ફટકારી હતી. સ્મિથે 132 બોલનો સામનો કરતા 14 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 131 રન બનાવ્યા હતા. સ્મિથ મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો.
              અંતમાં ઓસ્ટ્રેલિયન ટીમે ઝડપથી વિકેટ ગુમાવી દેતા ટીમ 300ને પાર પહોંચી શકી નહતી. એલેક્સ કેરી 35 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય એશ્ટન ટર્નરે 4, સ્ટાર્ક 0, કમિન્સ 0, અને ઝમ્પા 1 રન બનાવી આઉટ થયા હતા. અંતે એશ્ટન અગર 11 અને હેઝલવુડ 1 રન બનાવી અણનમ રહ્યાં હતા.
              ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 10 ઓવરમાં 63 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાડેજાએ 10 ઓવરમાં 1 મેડન સાથે 44 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. નવદીપ સૈની અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. 

(9:19 pm IST)