Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઓસ્ટ્રેલિયન ઓપન : રાફેલ નડાલ અને નોવાક જોકોવિક ફેવરિટ હશે

આજથી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ શરૂ થશે : રાફેલ નડાલ અને નોવાક જોકોવિક પાસે તેના રેકોર્ડને તોડવાની તકો છે નોવાક જોકોવિકતાજ જાળવી રાખવા સુસજ્જ : સેરેના પર નજર

મેલબોર્ન, તા. ૧૯ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ટેનિસ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. હવે ટેનિસનો ક્રેઝ કેટલાક દિવસ સુધી જોવા મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે. મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.

             આ સરફેસ ઉપર રોજર ફેડરર અને નડાલને ફેવરિટ તરીકે ગણવામાં આવે છે. ૨૦૦૯માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ ૮મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ૨૦૧૯માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. ૩૭ વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે. પુરુષોના ડ્રોની જાહેરાત કરી દેવામાં આવી છે. રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. ૨૦૧૮માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે ૨૪ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે. બીજી બાજુ રોજર ફેડરરે કહ્યું છે કે, તેના રેકોર્ડને તોડવામાં નડાલ અને જોકોવિક સક્ષમ રહેલા છે. આ બંને ખેલાડીઓ હાલમાં જે રીતે રમી રહ્યા છે તે જોતા ચેમ્પિયન બનવાની સાથે સાથે તેના કરતા વધારે ગ્રાન્ડસ્લેમ જીતી શકે છે. એટીપી રેંકિંગમાં હાલમાં નડાલ પ્રથમ સ્થાને છે જ્યારે જોકોવિક બીજા સ્થાને છે. જોકોવિકે છેલ્લે વિમ્બલ્ડનમાં રોજર ફેડરર સામે જીત મેળવી હતી. ઇનામી રકમમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. વિજેતાને ૪૧૨૦૦૦૦ની રકમ મળશે.

ઇનામી રકમનું ચિત્ર....

મેલબોર્ન, તા. ૧૯ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ઇનામી રકમમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમ નીચે મુજબ છે.

સિંગલ્સ ઇનામી રકમ

વિજેતા

૪૧૨૦૦૦૦ ડોલર

ફાઈનાલિસ્ટ

૨૦૬૫૦૦૦ ડોલર

સેમિફાઇનાલિસ્ટ

૧૦૪૦૦૦૦ ડોલર

ક્વાર્ટર ફાઇનાલિસ્ટ

૫૨૫૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૬ વિજેતા

૩૦૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૩૨ વિજેતા

૧૮૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૬૪ વિજેતા

૧૨૮૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૨૮ વિજેતા

૯૦૦૦૦ ડોલર

ડબલ્સ ઇનામી રકમ

વિજેતા

૭૬૦૦૦૦ ડોલર

ફાઈનાલિસ્ટ

૩૮૦૦૦૦ ડોલર

સેમિફાઇનાલિસ્ટ

૨૦૦૦૦૦ ડોલર

ક્વાર્ટર ફાઇનાલિસ્ટ

૧૧૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૬ વિજેતા

૬૨૦૦૦ ડોલર

રાઉન્ડ ૩૨ વિજેતા

૩૮૦૦૦ ડોલર

રાઉન્ડ ૬૪ વિજેતા

૨૫૦૦૦ ડોલર

(7:53 pm IST)